Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા અંગે નોંધાયેલી એફઆઈઆરમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. એફઆઈઆર મુજબ, આ હુમલો સંપૂર્ણપણે પૂર્વયોજિત હતો અને આતંકીઓએ સરહદ પારથી તેમના હેન્ડલરોના નિર્દેશ પર તેને અંજામ આપ્યો હતો. આતંકીઓએ ગેરકાયદે રીતે મેળવેલા ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને લગભગ 30 મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 28 પ્રવાસીઓ માર્યા ગયા. આ હુમલો મંગળવાર (22મી એપ્રિલ) બપોરે 1.50થી 2.20 વાગ્યાની વચ્ચે થયો હતો.
સુરક્ષા દળોને ઘટનાસ્થળે પહોંચવામાં ઘણો સમય લાગ્યો
અહેવાલ અનુસાર, FIRમાં જણાવાયું છે કે હુમલાખોરો આર્મી જવાનોના કપડામાં હતા અને અચાનક બૈસારન ખીણની આસપાસના ગાઢ પાઈન જંગલોમાંથી બહાર આવ્યા. આ દરમિયાન પ્રવાસીઓ હરિયાળીનો આનંદ માણી રહ્યા હતા. અચાનક ગોળીબાર અને ચીસોનો અવાજ આવ્યો. થોડીવારમાં ઘણાં લોકો જમીન પર પડી ગયા અને ઘણાં ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસને બપોરે 2.30 વાગ્યે હુમલાની માહિતી મળી હતી અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા. બૈસારન સુધી જવા માટે કોઈ મોટરેબલ રસ્તો ન હોવાથી, સુરક્ષા દળોને ત્યાં પહોંચવામાં ઘણો સમય લાગ્યો.
આ પણ વાંચો: કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને હેમખેમ વતન પરત લાવવાની કવાયત શરૂ, સરકારે મંગાવી યાદી
એફઆઈઆરમાં જણાવાયું છે કે, પોલીસને સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે સરહદ પારથી તેમના આકાઓ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પર ગેરકાયદે ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને પહેલગામના બૈસારન ખાતે આતંકી દ્વારા પૂર્વ આયોજિત હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનો હેતુ માત્ર હત્યા કરવાનો જ નહીં પરંતુ લોકોમાં ભય અને આતંક ફેલાવવાનો પણ હતો.
આ મામલે ભારતીય દંડ સંહિતા (IPC)ની અનેક કડક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 11, 103 અને 109, ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA), અને શસ્ત્ર અધિનિયમ સહિત ગંભીર જોગવાઈઓ હેઠળ FIR નોંધવામાં આવી હતી. આર્મ્સ અધિનિયમની કલમ 7 અને 27, અને UAPAની કલમ 16, 18 અને 20 પણ લાગુ કરવામાં આવી છે.