Congress Slams PM Modi: પહલગામ આતંકી હુમલા સહિત દેશમાં તાજેતરના વર્ષોમાં થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓની ધરપકડ ન થવા મુદ્દે કોંગ્રેસ નેતા પવન ખેડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, દેશમાં અત્યારસુધી અમુક મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબ મળ્યા નથી. જેમાંથી એક છે કે, પાકિસ્તાન સાથે કઈ શરતો પર સીઝફાયર કરવામાં આવ્યું. પવન ખેડાએ વડાપ્રધાન મોદી પર પણ કટાક્ષ કર્યો હતો.
પવન ખેડાએ આજે મંગળવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ કોઈ મજાકનો વિષય નથી. જે રીતે વડાપ્રધાન મોદી ક્યારેક પ્રેમ ચોપરાની જેમ, તો ક્યારેક પરેશ રાવલની જેમ ડાયલોગબાજી કરી રહ્યા છે. ક્યારેક સિંદૂર મુદ્દે, ક્યારેક નસોમાં વહેતાં લોહી વિશે, ગોળી ખાવ, રોટી ખાવ, આ બધુ શું છે? આ વડાપ્રધાન છે? શું આપણા દેશના આવા વડાપ્રધાન છે?
હાફિઝ સઈદ અને મસૂદ કેવી રીતે બચ્યા…
પવન ખેડાએ આગળ કહ્યું કે, હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદી કેવી રીતે બચી ગયાં? આજ સુધી આપણને આ વાતનો જવાબ મળ્યો નથી. 2023માં પૂંછમાં આતંકવાદીઓએ જે હુમલો કર્યો, 2 ઓક્ટોબર, 2024ના રોજ ગાંદરબલમાં જે હુમલો થયો, એપ્રિલ, 2025માં પહલગામમાં જે આતંકવાદીઓએ હુમલો કર્યો. તેમનું શું થયું? તેઓ ક્યાં છે?
સીઝફાયરની શરતો પણ ન જણાવી
વધુમાં કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો કે, આજ સુધી જવાબ મળ્યો નથી કે, સીઝફાયરને કઈ શરતો પર મંજૂરી મળી? આજ સુધી જવાબ નથી મળ્યો કે, હાફિઝ સઈદ અને મસૂદ અઝહર કેવી રીતે બચી ગયાં? આપણા વડાપ્રધાન સવાલોના જવાબ આપવાના બદલે ડાયલોગબાજી કરી રહ્યા છે. આ ગંભીર વિષયો પર ગંભીર ચર્ચા થવી જોઈએ.
આ પણ વાંચોઃ ‘હું તેમને જવાબ જ નથી આપતી’, ભારતીયો વિશે ન્યૂઝીલેન્ડના મંત્રીની ટિપ્પણી, અન્ય નેતાઓનો વિરોધ
સંસદમાં વિશેષ સત્ર બોલાવવાની માગ
કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ પહલગાલ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા કરવા સંસદમાં વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે. તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સર્વપક્ષીય બેઠકની પણ માગ કરી છે. જો કે, સરકારે હજીસુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.