Karur Stampede: કરુરમાં મચેલી નાસભાગ બાદ તમિલનાડુના તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના પ્રમુખ અને અભિનેતા વિજયે એક મોટી જાહેરાત કરી છે. તેઓ આ નાસભાગમાં ભોગ બનનારા મૃતકોના પરિવારજનોને રૂ. 20 લાખની આર્થિક સહાય આપશે. ગઈકાલે શનિવારે તમિલનાડુના કરુરમાં થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃતકોના પરિવારોને રૂ. 10 લાખનુ વળતર આપવાની જાહેરાત કરી હતી.
અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયે ગઈકાલે 27 સપ્ટેમ્બરના રોજ એક મોટી રેલીનું આયોજન કર્યું હતું. જેમાં અપેક્ષિત હાજરી 10,000 લોકોની હતી. પરંતુ 27,000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. લોકો સવારથી ગરમીમાં ભૂખ્યા-તરસ્યા વિજયની રાહ જોઈ રહ્યા હતાં. વિજય સાંજે સાત વાગ્યા બાદ કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. બાદમાં તેમના ભાષણ દરમિયાન જ લોકો બેભાન થવા લાગ્યા હતાં અને નાસભાગ મચી હતી. આશરે 39 લોકો મૃત્યુ પામ્યા હતાં અને 100 જેટલા ઘાયલ થયા હતાં. આ ઘટના અંગે રાજકીય વર્તુળોમાં પણ આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.
આ પણ વાંચોઃ ‘મને અસહનીય દુઃખ થઈ રહ્યું છે…’ કરુરમાં નાસભાગ અંગે એક્ટર વિજયની પહેલી પ્રતિક્રિયા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રિપોર્ટ માગ્યો
કેન્દ્રીય ગૃહમંત્રીએ આ દુર્ઘટના મામલે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ અને મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સાથે વાત કરી જાણકારી મેળવી હતી. કેન્દ્ર સરકારે પરિસ્થિતિનો સામનો કરવા માટે સંભવિત તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ આ ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ તમિલનાડુ સરકાર પાસે માગ્યો છે.
AIADMKએ મૂક્યા આરોપ
તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ના મહાસચિવ કે. પલાનીસ્વામીએ રવિવારે આ ઘટના પર સરકાર અને ટીવીકે પર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, કરૂરમાં ટીવીકેની રાજકીય રેલીમાં થયેલી નાસભાગ એ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા ચૂકનો પુરાવો છે. જો પોલીસ અને રાજ્ય સરકારે પૂરતા સાવચેતીનાં પગલાં લીધાં હોત, તો આ ‘દુર્ઘટના’ ટાળી શકાઈ હોત. આ ઘટનામાં નિર્દોષ 39 લોકોએ જીવ ગુમાવ્યા અને 51 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ પણ વિજયની તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) રેલીમાં સુરક્ષાની ખામી રહી હોવાના પુરાવા દર્શાવે છે. રેલીમાં બત્તી ગુલ થતાં ગરમીના કારણે ગભરામણ વધી હતી. અમુક લોકો બેભાન થઈ જતાં નાસભાગ મચી હતી. ટીવીકેના કાર્યકરોએ સલામતી અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરતાં સાવચેતીનાં પગલાં લેવા જોઈતા હતા.