Gujarat Pollution Rise Day by Day: ગુજરાતમાં ઔદ્યોગિકીકરણ અને વધતાં જતા વાહનો કારણે પ્રદુષણની સમસ્યા વધુને વધુ ઘેરી બની રહી છે. પર્યાવરણની દુહાઈ દેવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં હવા-પાણીનુ પ્રદુષણ વકર્યુ છે. લોકસભામાં રજૂ કરાયેલાં રિપોર્ટ મુજબ, છેલ્લાં પાંચેક વર્ષમાં કુલ મળીને રૂા. 957 કરોડનો ધુમાડો કરાયો છે છતાં પણ ગુજરાતમાં પ્રદુષણને કાબૂમાં લઈ શકાયુ નથી. પર્યાવરણવિદોએ તો ચિંતા વ્યક્ત કરી છેકે, જો આ પરિસ્થિતીમાં સુધારો નહી આવે તો દિલ્હી-હરિયાણા જેવી દશા થાય તે દિવસો હવે દૂર નથી.
અમદાવાદમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું
ઔદ્યોગિક વિકાસની આંધળી દોટમાં જાણે પ્રદુષણ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. આજે અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં એર ક્વોલિટી ઈન્ડકેસ વધતો જઇ રહ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે. ઉદ્યોગો-કારખાના ઉપરાંત વાહનોના ધુમાડાને કારણે હવામાં ઝેરી રજકણોનું સ્તર વધી રહ્યુ છે.આ કારણોસર અમદાવાદમાં વટવા. રખિયાલ, નરોડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં હવાનું પ્રદુષણ ચિંતાજનકહદે રહ્યુ છે. આ વિસ્તારમાં મોડી રાત્રે કેમિકલની એટલી વાસ આવે છે કે લોકોને કેટલીક વાર તો નાક પર કપડું રાખીને બહાર નીકળવું પડે. ચામડીના રોગી વધ્યાં છે. સ્થાનિક લોકો તો હવે જાણે વાયુ પ્રદૂષણથી ટેવાઈ ગયા છે.
આ પણ વાંચોઃ બોપલમાં માથાભારે તત્વોએ ગરબા બંધ કરાવી પાર્ટી પ્લોટમાં તોડફોડ મચાવી, કેમ મામલો બીચક્યો
નવરાત્રિમાં ધ્વનિ પ્રદુષણ
વર્ષોથી ચાલતી આ ગંભીર સમસ્યા સામે સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવી રહ્યા નથી. પ્રદુષણ નિયંત્રણ બોર્ડના વર્ષ 2૦24-25ના અહેવાલ મુજબ, અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ધ્વનિ પ્રદુષણ વધ્યુ છે જેમકે, અમદાવાદ પૂર્વમાં વધુમાં વધુ 1૦3 ડેસિબલ અને અમદાવાદ પશ્ચિમમાં 85.8૦ ડેસિબલ અવાજનો ઘોંઘાટ રહ્યો છે. આ સ્થિતિ મનુષ્યની શ્રવણશક્તિને ખૂબ નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત દિવાળીના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં હવામાં પીએમ-1૦નુ પ્રમાણ 165 અને પીએમ 2.5 પ્રમાણે 38.33 સુધી પહોંચે છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં તો હવામાં પીએમ-1૦નુ પ્રમાણ 197 અન પીએમ 2.5નું પ્રમાણ 94 સુધી પહોંચી જાય છે. આમ, ધ્વનિ-હવાના પ્રદુષણમાં નોંધપાત્ર વધારો થયો છે.
પાંચ વર્ષમાં કેન્દ્રની 1282 કરોડની ગ્રાન્ટ
હવાની ગુણવત્તામાં સુધારો થાય તે માટે છેલ્લાં પાંચેક વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ. 1282 કરોડ નાણાકીય સહાય આપી હતી તે પૈકી રૂ. 957 કરોડનો ખર્ચ કરાયો હતો. છતાંય પ્રદુષણમાં ઝાઝો સુધારો થઇ શક્યો નથી. આજે પણ ગુજરાતની નદીઓ પ્રદુષિત છે, 1૦થી વધુ જીલ્લાઓમાં ભૂગર્ભજળ પીવાલાયક રહ્યું નથી. સ્થિતી દિન-પ્રતિદિન ગંભીર બની રહી છે તેમ છતાંય ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રદુષણને કાબૂમા લેવામાં સદંતર નિષ્ફળ રહ્યુ છે. મહત્વની વાત તો એ છે કે, રૂ. 325 કરોડની ગ્રાન્ટ તો વણવપરાયેલી પડી રહી છે. સરકારે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભલે દાવો કરે કે, ગુજરાતમાં હવા-પાણીના પ્રદુષણમાં સુધારો થયો છે પણ વાસ્તવમાં સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી.