Pahalgam Terrerist Attack: દક્ષિણ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. આ હુમલામાં 28 નિર્દોષ લોકોના જીવ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે હવે આ હુમલાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જવાબી કાર્યવાહીની તૈયારીઓ કરાઈ રહી છે.
પહલગામ આતંકવાદી હુમલાની અપડેટ
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક પૂર્ણ
પહલગામ હુમલાને લઈને થયેલી CCSની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, આ બેઠક અંદાજિત અઢી કલાક સુધી ચાલી. બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. રાજનાથ સિંહ 7-લોક કલ્યાણ માર્ગથી રવાના થયા છે.
એકનાથ શિંદે શ્રીનગર જવા રવાના, મહારાષ્ટ્રના મૃતકોને 5-5 લાખનું વળતર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ફસાયેલા મહારાષ્ટ્રના પ્રવાસીઓને પરત લાવવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે શ્રીનગર રવાના થયા છે. મહારાષ્ટ્રના પ્રવાસીઓ માટે જરૂરી સહાયતા સુનિશ્ચિત કરશે. બીજી તરફ હુમલા પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘આ નિંદનીય ઘટના છે. મહારાષ્ટ્રના જે 6 લોકોના મૃત્યુ થયા છે, તે દરેક પીડિત પરિવારને 5-5 લાખ રૂપિયા અપાશે.’
‘પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે’, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાનું મોટું નિવેદન
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આજે (બુધવાર) એક સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે. પહલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવવા માટે આવતીકાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અપાયેલા નિર્દેશોનું ઝડપથી પાલન કરાવવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર આપણા નાગરિકોની હત્યાનો બદલો લેવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને એ પણ નક્કી કરશે કે આતંકવાદની આવી કાયરતાપૂર્ણ હરકત ફરી ન થાય.’
થોડીવારમાં વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
CCS બેઠક બાદ હવે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થશે. કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોનું આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. ટીઆરએફના એક કમાન્ડરની ઘેરાબંધી કરાઈ છે.
વડાપ્રધાન આવાસ પર CCSની બેઠક
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડાપ્રધાન આવાસ પર સુરક્ષા મામલાઓની કેબિનેટ કમિટી (CCS)ની બેઠક શરૂ થઈ છે. વડાપ્રધાન મોદીનીઅધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ.જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ હાજર છે. બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.
પહલગામ હુમલા બાદ સેનાની કાર્યવાહી
કાશ્મીરમાં સુરક્ષા દળ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ત્યારે સુરક્ષાદળોને બારામૂલામાં મોટી સફળતા મળી છે. અહીં બારામુલ્લા જિલ્લામાં ઉરી સેક્ટરમાં LoCની નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરતા સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષાદળોએ આતંકવાદીઓ પાસે બે રાઈફલ સહિત મોટી માત્રામાં હથિયાર અને સામાન જપ્ત કર્યો છે. ત્યારે, કુલગામમાં પણ સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. અહીં આતંકવાદીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, અહીં કેટલાક આતંકવાદી છૂપાયા છે, જેમણે સેનાએ ચારો તરફ ઘેરી લીધા છે.