Farooq Abdullah On Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા અંગે દેશભરમાં શોક અને આક્રોશનો માહોલ છે. પૂર્વ સીએમ અને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ આ હુમલાની નિંદા કરતાં પાકિસ્તાન પર રોષ ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે, હવે પાકિસ્તાન સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. કારણકે, તેમણે માનવતાની હત્યા કરી દીધી છે. ભારતે 1947માં ટૂ-નેશન થિયરીને ફગાવી હતી. આજે પણ તેનો સ્વીકાર કરવા તૈયાર નથી. કારણકે, દેશમાં હિન્દુ-મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી તમામ એક છે.
મીડિયા સાથે વાતચીત કરતાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું કે, દુર્ભાગ્યવશ આપણો પડોશી દેશ આજે પણ સમજી રહ્યો નથી કે, તેણે માનવતાની હત્યા કરી છે. તેઓ માને છે કે, આ કૃત્ય બાદ આપણે પાકિસ્તાન જતાં રહીશું, તો તેમની આ ગેરસમજને દૂર કરવી જોઈએ.
આ પણ વાંચોઃ પહલગામ હુમલા અંગે વિવાદિત નિવેદનો આપતા નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપ્યા કડક નિર્દેશ
ટુ-નેશન થિયરી દરિયામાં વહાવી
તેમણે કહ્યું કે, અમે 1947માં તેમની સાથે નથી ગયા, તો આજે કેમ જતાં રહીએ? અમે ટુ-નેશન થિયરી ત્યારે પણ દરિયામાં વહાવી દીધી હતી. અને આજે પણ સ્વીકાર કરવા તૈયાર નથી. અહીં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી તમામ ધર્મના લોકો એક છે. આ લોકો સમજે છે કે, તેઓ અમને નબળા પાડશે, પણ અમે હાર માનીશું નહીં. અમે તેમની આ હરકતથી વધુ મજબૂત બની રહ્યા છીએ અને તેમને આકરો જવાબ આપીશું. પાકિસ્તાન વાતચીત કરવા માગે છે. પરંતુ હવે વાતચીતનો સમય જતો રહ્યો છે. હું દર વખતે ઇચ્છતો હતો કે, વાતચીત થાય, પરંતુ હવે તેમની હરકતોથી લાગતું નથી, અમે શું વાત કરીશું. શું તે ન્યાયી ગણાશે. ભારત હવે બાલાકોટ નથી ઇચ્છતું, તે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માગે છે. જેથી ભવિષ્યમાં ફરી ક્યારેય આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.