ઓટીટી અને સોશિયલ મીડિયા પર બેફામ અશ્લીલ સામગ્રીઓ આવી રહી છે, જેને સુપ્રીમ કોર્ટે ચિંતાજનક ગણાવી હતી. સાથે જ આ મામલે યોગ્ય પગલા લેવાની માગણી કરતી એક અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે અરજદારને એમ પણ કહ્યું હતું કે આ ખરેખર સરકારનો મામલો છે, હાલમાં અમે દખલ દઇ રહ્યાના અનેક આરોપો થઇ રહ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં માગણી કરવામાં આવી છે કે હાલ સોશિયલ મીડિયા અને ઓટીટી જેવા ઓનલાઇન વીડિયો તસવીરો વગેરે સામગ્રીઓ આપતા પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રીઓ આપવામાં આવી રહી છે, જેની બાળકો, સગીરો અને યુવા વર્ગ પર ગંભીર અસર થઇ રહી છે. જો તેને રોકવામાં ના આવી તો સમાજ પર પણ તેની અસર થઇ શકે છે અને આ સામગ્રી મેળવનારાઓની માનસિક સ્થિતિ પણ ખરાબ થઇ શકે છે. હાલ આ અશ્લીલ સામગ્રી રોકવા માટે કોઇ જ ફિલ્ટર નથી.
આ મામલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી આર ગવઇ, ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જની બેંચે ટિપ્પણી કરતા કહ્યું હતું કે આ મહત્વપૂર્ણ અને ચિંતાજનક મુદ્દો છે. જેને પહોંચી વળવા માટે સરકાર દ્વારા પગલા લેવાના હોય છે. આ અમારી હદમાં આવતો મામલો નથી, અનેક એવા આરોપો થઇ રહ્યા છે કે અમે સરકારના કામકાજમાં દખલ દઇએ છીએ. હાલનો આ મામલો અમારા અધિકાર ક્ષેત્રનો નથી સરકાર કઇક કરે.
જ્યારે કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે પહેલાથી જ આવી સામગ્રી અટકાવવા નિયમો અને કાયદા છે, હજુ કડક નિયમોનો અમલ કરાશે. હાલમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ, ઉલ્લુ ડિજિટલ પ્લેટફોર્મ, ઓલ્ટ બાલાજી, ટ્વિટર, મેટા (ફેસબુક), ઇન્સ્ટાગ્રામ, યુટયુબ સહિતના સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મને પણ નોટિસ પાઠવી જવાબ માગ્યો છે.