યુવાનની હત્યા થતાં મૃતકના પરિવારે હુમલાખોર પરિવાર પર રીતસર આતંક મચાવ્યો
કેરબા લઈને ઘરમાં ઘુસેલાં ટોળાંએ આગ લગાડતાં ત્રણ લાખનું રાચરચીલું બળીને ખાખ, બાજૂમાં પડેલી રિક્ષાને પણ સળગાવાઈ : પરિવાર ઘરની બહાર દોડી જતાં મોટી દૂર્ઘટના ટળી
ભાવનગર: શહેરના રૂવાપરી રોડ, મહાકળી વસાહતમાં ત્રણ દિવસ પૂર્વેની મારામારીમાં ઘાયલ યુવકનું મોત થતાં મૃતકના પરિવારે હુમલાખોરના ત્રણ મકાન પર રીતસર આતંકવ્ચાવ્યો હતો. ટોળાંએ પ્રથમ મકાનો પર પથ્થરમારો કરી, ઘરમાં ઘુસી કરેલી આગજની કરતાં હતભાગી પરિવાર સમયસર ઘર બહાર દોડી આવતાં મોટી દૂર્ધટના ટળી હતી.તો, બનાવના પગલે ઘોઘારોડ પોલીસે મૃતકના સાળા સહિત ૧૨ શખ્સો વિરૂદ્ધ રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ૮ લોકોને ઝડપી લીધા હતા.
ચકચારી બનાવની વિગત એવી છે કે ઘરની વાત બહાર કર્યાની શંકા રાખી શહેરના રૂવાપરી રોડ, મહાકાળી વસાહતમાં રહેતાં નરશીભાઈ પુરૂષોત્તમભાઈ જાદવ અને તેમના સાળા વિજયભાઈ વાજા પર ત્રણ દિવસ પૂર્વે સાગર ચૌહાણ, સુનિલ ચૌહાણ, ભદો ઉર્ફે ભદી તથા અજય ચૌહાણ, રેસુબેન અને ઉષાબેન હસમુખભાઇ રાઠોડ સહિત છ લોકોએ ધારીયા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં સાળા-બનેવી બન્નેને લોહીયાળ ઈજા પહોંચી હતી.અને સારવારમાં રહેલાં નરશીભાઈ જાદવનું ગત બુધવારે સાંજે સારવારમાં મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ તરફ, બનેવીના મોતના પગલે ઉશ્કેરાઈને સાળા સહિતનું ટોળું મહાકાળી વસાહતમાં ઘસી ગયું હતું.અને સાળા-બનેવી પર હુમલાના ગુનામાં જેલવાસ ભોગવતાં હુમલાખોર ચારેય ભાઈઓના ઘર પર સોડા-બોટલ અને ઈંટના ઘા કરી પથ્થરમારો કરતાં ઘરમાં રહેલાં હુમલાખોર સંતાનોના માતા રેવુબેન પ્રવિણભાઈ ચૌહાણ અને તેમનો પરિવાર ભયભીત બની ગયો હતો. જો કે, પરિવારજનો કંઈ સમજે તે પૂર્વે ટોળું ચારેય ભાઈઓના અલગ-અલગ ત્રણ ઘરમાં ધસી આવ્યું હતું. અને હાથમાં રાખેલાં કેરબામાંથી જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવી હતી. તો, નજીકમાં પડેલી સાગરની માલિકીની રિક્ષા પણ સળગાવી નાસી છૂટયા હતા. જયારે, આગના કારણે પરિવાર પણ ઘર છોડી જીવ બચાવવા બહાર દોડી ગયો હતો. જેના કારણે મોટી દૂર્ઘટના સર્જાતા અટકી હતી. જોતજોતામાં ત્રણેય ઘરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં આસપાસના રહિશો સહિતના સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ આગના કારણે ત્રણેય ઘરમાં રહેલાં ચાર ટીવી, શેટી પલંગ, સાત પંખા, એક એસી, ત્રણ ફ્રિઝ, ત્રણ સીલાઈ મશીન ઉપરાંત, લેપટોપ, ટેબલેટ સહિત અંદાજે રાચરચીલું બળીને ખાખ થઈ જતાં રૂા.૩ લાખનું થયું હતું. બનાવને લઈ ફાયર અને પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયરે પાણી છાંટી આગને કાબૂમાં લીધી હતી. પોલીસે એફએસએલની ટીમને સાથે રાખી નમૂના લીધા હતા. જેમાં આગ લગાવવામાં કયાં જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થયો છે તે સહિત સોડા-બોટલમાં જવલનશીલ પદાર્થ હતા કે નહીં તે તાપાસાર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા.
જયારે, બનાવ અંગે મોડીરાત્રે રેવાબેન પ્રવિણભાઈ ચૌહાણની ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે ૧૨ શખ્સો વિરૂદ્ધ ગેરકાયેદ મડંળી રચી, ઘર પથ્થરમારો કરી, મિલકતમાં ગેરકાયદે પ્રવેશ કરી જ્વલનશીલ પદાર્થ છાંટી મિલકત સળગાવી નુકશાન પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી મોડીરાત સુધીમાં આઠ શખ્સોને ઝડપી લીધા હોવાનું પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું.
આ 12 શખ્સે લગાવી હતી આગ
શહેરના રૂવાપરી રોડ, મહાકાળી વસાહતમાં એક સાથે ત્રણ ઘરમાં આગ લગાવવાના બનાવમાં રેવાબેન ચૌહાણની ફરિયાદના આધારે કરણ કિશોરભાઈ વાજા,વિજય કિશોરભાઈ વાજા,કાળો ગફાર(રહે.ત્રણેય ક.પરા),રવિ રમણીકભાઈ ઉર્ફે ટીંડોર વેગડ,જીતેશ ઉર્ફે જી.જી.રમણભાઈ રાઠોડ, હિતેશ વેગડ, વિશાલ ધરાજીયા, ડગી,રાકેશ રમેશભાઈ રાઠોડ,રોહન મુકેશભાઈ રાઠોડ (રહે.તમામ ખેડૂતવાસ),પોપટ ધીરૂ બાંભણિયા (રહે.ક.પરા અગરિયાવાડ) તથા જીતેન્દ્ર બટુકભાઈ રાઠોડ (રહે. આનંદનગર)વિરુદ્ધ નામજોગ તેમજ તપાસમાં ખુલે તે લોકો ગુનો નોંધ્યો હતો.
ટોળાએ આક્રમણ કરતા અમે જીવ બચાવી ભાગ્યા : ફરિયાદી
શહેરના રૂવાપરી રોડ,મહાકાળી વસાહતની ઘટનામાં જ્વલનશીલ પ્રવાહી ભરેલા કેરબા સાથે આવેલા ટોળાએ રીતસર આતંક મચાવ્યો હતો તેમ જણાવતાં ફરિયાદી રેવાબેન ચૌહાણ જણાવ્યું કે, ગત બુધવારે રાત્રિના સુમારે ફરિયાદી તથા તેમના પુત્રના પત્ની અને સંતાનો આસપાસમાં આવેલાં મકાનોમાં હતા તેવામાં મકાનો પર પથ્થરમારો થયો હતો અનેનસોડા-બોટલના ઘા આવતાં અમે ભયભીત બની ગયા હતા. જો કે, થોડા જ સમયમાં ટોળું કેરબા સાથે ધસી આવી પ્રવાહી છાંટી આગ લગાડતાં ફરિયાદી ઉપરાંત તેમના પુત્રવધુ સરસ્વતીબેન, સુનિલ ચૌહાણની દીકરી સપના અને બાળકો દોડીને બહાર આવી ગયા હતા અને ટોળું મારી નાખશે ભયથી તમામ તેમના ખેડૂતવાસમાં રહેતા સંબંધીને ત્યાં જતા રહ્યા હતા,બાદમાં પોલીસ આવ્યાની જાણ થતાં ઘરે પરત આવ્યા હતા.