Justice B.R.Gavai: જસ્ટિસ બી.આર. ગવઇ સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ દેશના 52માં ચીફ જસ્ટિસને મંજૂરી આપી છે. વર્તમાન CJI સંજીવ ખન્નાનું કાર્યકાળ 13 મેના રોજ સમાપ્ત થવા જઇ રહ્યું છે અને 14 મેથી જસ્ટિસ બી.આર. ગવઇ દેશના ચીફ જસ્ટિસ તરીકે પદ સંભાળશે. નોંધનીય છે કે, જસ્ટિસ બી.આર. ગવઇએ આર્ટિકલ 370 અને ઇલેક્ટોરલ બોન્ડ સહિતના ઘણાં ઐતિહાસિક ચુકાદાઓમાં પોતાની ભૂમિકા ભજવી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપતા કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે, આ નિમણૂક ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓ હેઠળ કરવામાં આવી છે. જસ્ટિસ ગવઈ હાલમાં સુપ્રીમ કોર્ટના જજ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 14 મે, 2025થી ચીફ જસ્ટિસ તરીકેની જવાબદારી સંભાળશે.