મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયાસામે ડોલરના ભાવમાં મોટી ઉછળકુદ જોવા મળી હતી. ડોલરના ભાવ આરંભમાં ગબડયા પછી બપોર પછી ઝડપથી બાઉન્સ બેક થયા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામના પગલે આજે કરન્સી બજારમાં શરૂઆતમાં ડોલર સામે રૂપિયો નોંધપાત્ર ઉંચો ખુલ્યો હતો પરંતુ ત્યારબાદ ડોલર ફરી ઉછળતાં બપોર પછી રૂપિયો વધ્યા મથાળ ેથી ઝડપી નીચો ઉતર્યો હતો.
શેરબજારમાં સોમવારે તીવ્ર તેજી આવ્યા પછી આજે શેરબજાર ફરી તૂટી જતાં તેની અસર કરન્સી બજારમાં રૂપિયા પર નબળી પડી હતી. ડોલરના ભાવ રૂ.૮૫.૩૮ વાળા સોમવારે બંધ બજારે રૂ.૮૪.૯૦ બોલાયા હતા તે આજે સવારે રૂ.૮૪.૬૪ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૪.૬૩ થયા પછી ડોલરના ભાવ ફરી ઉછળી રૂ.૮૫ની સપાટી ફરી કુદાવી ઉંચામાં ભાવ રૂ.૮૫.૪૭ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૫.૪૨ રહ્યા હતા.
રૂપિયા તથા ડોલરના ભાવ વચ્ચે આવી અફડાતફડી તથા મોટી ઉછળકુદ આ પૂર્વે બહુ ઓછી જોવા મળી છે એવું બજારના પીઢ જાણકારો જણાવી રહ્યા હતા.
જો કે વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચા મથાળેથી પીછેહટ બતાવી રહ્યો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૧.૭૬ થયા પછી નીચામાં ૧૦૧.૪૭ થઈ ૧૦૧.૫૪ રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા જતાં તેની અસર મુંબઈ બજારમાં રૂપિયાના ભાવ પર નેગેટીવ દેખાઈ હતી.
દરમિયાન, રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૯ પૈસા વધ્યા હતા. પાઉન્ડના ભાવ નીચામાં રૂ.૧૧૧.૬૩ થયા પછી ઉંચામાં ભાવ રૂ.૧૧૨.૮૦ થઈ છેલ્લે રૂ.૧૧૨.૭૭ રહ્યા હતા. રૂપિયા સામે યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂ.૯૬.૦૨ વાળા આજે નીચામાં રૂ.૯૪.૦૧ થઈ છેલ્લે ભાવ રૂ.૯૪.૮૨ રહ્યા હતા.
જાપાનની કરન્સી રૂપિયા સામે ૧.૯૦ ટકા તૂટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૫૧ ટકા ઉંચકાઈ હતી. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થતાં ચીનની કરન્સી પર તેની પોઝીટીવ અસર દેખાઈ હતી. જો કે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં સટોડિયાઓએ શોર્ટ પોઝીશન વધાર્યાના વાવડ હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની સાઉદી અરેબિયાની મુલાકાત પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર હતી.
ફોરેક્સ ભાવ
ડોલર |
રૃા. ૮૫.૪૨ |
પાઉન્ડ |
રૃા. ૧૧૨.૭૭ |
યુરો |
રૃા. ૯૪.૮૨ |
યેન |
રૃા. ૦.૫૮ |