અમદાવાદ,બુધવાર
શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા યુવકને નોકરી પર રાખીને તેના નામે બેંક એકાઉન્ટ ખોલવાની સાથે ક્રેડિટ કાર્ડ લઇને બે ગઠિયાઓએ રૂપિયા ૪.૨૮ કરોડની માતબર રકમની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. આરોપીઓએ યુવકની પત્ની અને તેની માતાના નામે પણ ક્રેડિટ કાર્ડ લીધા હતા. આરોપીઓએ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય લોકો સાથે પણ લાખોની છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના નિકોલ રસપાન ચાર રસ્તા પાસે આવેલા સાંઇ ફ્લોરા એપાર્ટમેન્ટમાં રહેતા ૩૯ વર્ષીય દિનેશભાઇ હીરપરાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે વર્ષ ૨૦૧૦માં નિકોલમાં એમ્બ્રોડરીનું કામ કરતા હતા.ત્યારે તેમનો પરિચય વિશાલ વોરા (રહે.શ્રીનંદ ઇલાઇટ, નિકોલ) સાથે થયો હતો. કોરોના સમયે દિનેશભાઇ પાસે કોઇ ખાસ કામ ન હોવાથી વિશાલે તેમને જણાવ્યું હતું કે તે હરી એન્ટરપ્રાઇઝના નામે ધંધો કરે છે. ત્યાં ઓફિસ બોયની નોકરી માટે બોલાવીને મકાનના હપતાની રકમ અને વધારાના ૧૦ હજારનો પગાર આપવાનું કહ્યું હતું. થોડા સમય બાદ વિશાલે તેમને કહ્યું હતું કે તે તેમના નામે લોન લેશે અને હપતા પણ ભરશે. જેમ જેમ લોન વધશે તેમ તેમ પગાર પણ વધારી આપશે.
ત્યારબાદ વિશાલ દિનેશભાઇને રાહુલ શર્મા (રહે. કલા રેસીડેન્સી, સેટેલાઇટ) પાસે લઇ ગયા હતા. જ્યાં દિનેશભાઇના નામે ફર્મ બનાવીને તેમજ તેમના અંગત દસ્તાવેજથી ૧૧ જેટલી બેંકમાં એકાઉન્ટ ખોલાવીને લોન લેવાનું શરૂ કર્યું હતું. જેમાં ંબંનેએ એપ્રિલ ૨૦૨૪ સુધી ખુબ મોટાપ્રમાણમાં લોન લીધી હતી. જેની વિગતો તે દિનેશભાઇને આપતા નહોતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વિશાલ અને રાહુલ શર્માએ ૩.૨૨ કરોડની બેકની લોનના હપતા ભર્યા નહોતા. તેમજ ક્રેડીટ કાર્ડ સ્વાઇપ કરીને ૨૧ લાખની રકમ લીધી હતી. આ ઉપરાંત, બંને ગઠિયાઓએ દિનેશભાઇની પત્ની અને માતાના નામે પણ ક્રેડિટ કાર્ડ અને લોન લીધી હતી.આમ ,બંને ગઠિયાઓએ કુલ ૪.૨૮ કરોડની છેતરપિંડી આચરી હતી. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનોે નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.