(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
સુપ્રીમ કોર્ટે બુધવારે આપેલા એક ઐતિહાસિક ચુકાદામાં ડિજિટલ
એક્સેસને બંધારણની કલમ ૨૧ હેઠળ મૌલિક અધિકાર જાહેર કર્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે
એસિડ એટેક પીડિતો તથા દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે નો યોર કસ્ટમર (કેવાયસી) પ્રક્રિયાને
સરળ બનાવવા માટે અનેક મહત્ત્વપૂર્ણ દિશા નિર્દેશ જારી કર્યા છે.
ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર મહાદેવનની
ખંડપીઠે આ વિષય પર દાખલ બે જનહિત અરજીઓ પર સુનાવણી પછી આ ચુકાદો આપ્યો હતો.
કોર્ટે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારને એ સુનિશ્ચિત કરવું
પડશે કે ડિજિટલ પ્રક્રિયાઓ,
ખાસ કરીને કેવાયસી જેવી અનિવાર્ય પ્રક્રિયાઓ તમામ માટે સુલભ થાય. કેવાયસી
પ્રક્રિયા એસિડ એટેક પીડિત,
અન્ય કોઇ કારણસર જેમના ચહેરા ખરાબ થયા હોય કે દ્રષ્ટિહીન વ્યકિત માટે પણ સુલભ
બનાવવામાં આવે.
આ અધિકાર બંધારણની કલમ ૨૧ (જીવન અને વ્યકિતગત સ્વતંત્રતાનો
અધિકાર), કલમ ૧૪
(સમાનતાનો અધિકાર), કલમ ૧૫
(ભેદભાવથી સુરક્ષા) હેઠળ સુનિશ્ચિત કરવામાં આવે. કોર્ટે વિશેષ રૃપે જણાવ્યું હતું
કે ડિજિટલ એક્સેસનો અધિકાર,
કલમ ૨૧ હેઠળ જીવનના અધિકારનો અભિન્ન અંગ છે.
ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર મહાદેવનની
ખંડપીઠે જણાવ્યું હતું કે કેવાયસી પ્રક્રિયાઓમાં ફેરફારની જરૃર છે, જેથી અક્ષમ
વ્યકિતઓ, વિશેષ
રૃપે એસિડ હુમલાના પીડિતો અને દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોને આ પ્રક્રિયા પૂર્ણ
કરવામાં કોઇ તકલીફનો સામનો કરવો ન પડે.
કોર્ટે પોતાના ચુકાદામાં ૨૦ નિર્દેશ જારી કર્યા છે જેમાં
ડિજિટલ કેવાયસી અને ઇ-કેવાયસી પ્રક્રિયાઓને વધુ સમાવેશી બનાવવા માટે ટેકનિકલ અને
નીતિગત ફેરફાર સામેલ છે.
આ નિર્ણય એ લાખો લોકો માટે રાહત લઇને આવ્યો છે જે વિકલાંગતા
અથવા ચહેરાની વિકૃતિની કારણે ડિજિટલ સેવાઓથી વંચિત રહી જાય છે. સુપ્રીમ કોર્ટનો આ
આદેશ કેવાયસી પ્રક્રિયામાં વ્યાપક ફેરફાર પ્રત્યે સંકેત આપે છે અને એ પણ સુનિશ્ચિત
કરે છે કે ડિજિટલ ઇન્ડિયાનું સ્વપન વાસ્તવમાં તમામ માટે સમાન રીતે સુલભ થાય.
હાલમાં સુપ્રીમ કોર્ટનો વિસ્તૃત નિર્ણય આવવાનો બાકી છે. જો
કે કોર્ટે સંકેત આપ્યા છે કે આ દિશા નિર્દેશ વ્યાપક સ્તરે અસરકારક રહેશે અને
સરકારને તેના પર અમલ સુનિશ્ચિત કરવુ પડશે.