મુંબઈ : એપ્રિલમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ભારતનો ઉત્પાદન ક્ષેત્ર માટેનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે માર્ચમાં ૫૮.૧૦ હતો તે એપ્રિલમાં વધી ૫૮.૨૦ સાથે દસ મહિનાની ટોચે રહ્યો છે. જૂન ૨૦૨૪ બાદ પીએમઆઈમાં આ મજબૂતી જોવા મળી છે, એમ એસએન્ડપી ગ્લોબલ દ્વારા સંકલિત કરાયેલા ડેટા પરથી જણાય છે. ફેબુ્રઆરીનો પીએમઆઈ ૫૬.૩૦ સાથે ૧૪ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.
એપ્રિલમાં નિકાસ ઓર્ડરમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. નિકાસ ઓર્ડરમાં અંદાજે ૧૪ વર્ષના ગાળામાં બીજો મોટો વધારો જોવાયો છે.
આફ્રિકા, યુરોપ, પશ્ચિમ એશિયા તથા અમેરિકા ખાતેથી ભારતના માલસામાન માટે વધુ ઓર્ડર પ્રાપ્ત થયા હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.
જૂન ૨૦૨૪ બાદ ફેકટરીઓ ખાતે ઉત્પાદનમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.
અમેરિકા દ્વારા ટેરિફ વોરને કારણે વૈશ્વિક ખરીદદારો દ્વારા ભારતના માલસામાન માટેની માગ વધી રહ્યાના સંકેતો મળી રહ્યા છે. ચીન, વિયેતનામ સહિત કેટલાક દેશોની સરખામણીએ ભારત પર રેસિપ્રોકલ ટેરિફના દર નીચા જાહેર કરાયા છે. કાચા માલના ભાવમાં સાધારણ વધારો થયો છે પરંતુ ફિનિશ્ડ ગુડસના ભાવમાં વધુ વધારો કરાતા કાચા માલના ઊંચા ભાવનું દબાણ ધોવાઈ ગયું છે.
સર્વેમાં ભાગ લેનારા ઉત્પાદકોમાંથી ૯ ટકા ઉત્પાદકોએ વધી રહેલી માગને ધ્યાનમાં રાખી કર્મચારીઓની ભરતી કરી છે. ભાવિ માગને પહોંચી વળવા કંપનીઓએ કાચા માલની ખરીદી વધારી દીધી હતી અને માલનો સ્ટોકસ પણ કર્યો છે.