Temple Built in West Bengal: પશ્ચિમ બંગાળના દિઘામાં મમતા સરકારે બનાવેલા મંદિરના નામ પર ઓડિશા સરકારે વાંધો વ્યક્ત કર્યો છે. ઓડિશા સરકારનું કહેવું છે કે પુરીમાં આવેલું જગન્નાથ મંદિર એક પ્રાચીન પૂજા સ્થળ છે અને તેનું પૌરાણિક મહત્ત્વ છે. સનાતનની ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ ચાર ધામોમાંથી એક છે. આવી સ્થિતિમાં બંગાળ સરકારના નવા બનેલા મંદિરને જગન્નાથ ધામ કહેવું ખોટું છે.
ઓડિશાના નાયબ મુખ્યમંત્રીએ પ્રશ્નો ઊઠાવ્યા
ઓડિશા સરકારે પુરી જગન્નાથ મંદિરના વરિષ્ઠ દૈતાપતિ સેવક રામકૃષ્ણ દશમહાપાત્રના વિરોધાભાસી નિવેદનોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઓડિશાના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહ દેવ અને કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને દિઘામાં મંદિરના વિવાદ પર કહ્યું છે કે, ‘ત્યાં સ્થાપિત જગન્નાથ મંદિર સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ તેને જગન્નાથ ધામ ન કહી શકાય. પુરીનું જગન્નાથ ધામ ભગવાન શ્રી કૃષ્ણના કાર્યો સાથે સંકળાયેલું છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ, તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા અહીં રહેતા હતા. ચાર સનાતન ધામ-બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને પુરીમાં એક શંકરાચાર્યનું પીઠ છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આનો વિચાર કરવો જોઈએ અને મંદિરનું નામ બદલવું જોઈએ.’
આ પણ વાંચો: મધ્યપ્રદેશની 3 વર્ષની વિયાના જૈને સૌથી નાની વયે સંથારો લીધો, ટર્મિનલ બ્રેઇન ટ્યુમરથી હતી પીડિત
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી પણ સમગ્ર મામલા પર વિચાર કરી રહ્યા છે. ઓડિશા સરકાર દ્વારા લોકોની લાગણીઓ અનુસાર જરૂરી પગલાં લેવામાં આવશે.
દોષિતો સામે કાર્યવાહી કરાશે
કાયદા મંત્રી પૃથ્વીરાજે કહ્યું કે, ‘પુરી જગન્નાથ મંદિરના સેવકો દ્વારા દિઘા મંદિરના પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાગ લેવા અને નબકલેવરના સમયના બચેલા લાકડામાંથી મૂર્તિ બનાવવાની ચર્ચા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ પ્રકારની ચર્ચા જગન્નાથ પ્રેમીઓ, ભક્તો અને ઓડિશાના 4.5 કરોડ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે. મેં પુરી જગન્નાથ મંદિરના મુખ્ય પ્રશાસક અરવિંદ પાધીને તપાસ માટે પત્ર લખ્યો છે. જો તપાસમાં કોઈ દોષિત જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.’