– આણંદના અડાસ ગામના હાડિયા વિસ્તારમાં
– રોકડ, કાર સહિત રૂા. 10.37 લાખનો મુદ્દામાલ જપ્ત મુખ્ય સુત્રધારો ફરાર થતા કામગીરી સામે સવાલો
આણંદ : આણંદના અડાસ ગામના હાડિયા વિસ્તારમાં ખેતરમાં ચાલતા જુગારના અડ્ડા પરથી પાંચ શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હતા. બહારથી માણસો બોલાવી જુગાર રમાતો હતો. ત્યારે પોલીસે રોકડ, કાર, મોબાઈલ સહિત રૂા. ૧૦.૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ તાલુકાના અડાસ ગામે રહેતો ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો ભાવસિંહ રાજ અને ઈર્શાદ રણજીતભાઈ મહીડા બહારથી માણસો બોલાવી હાડિયા વિસ્તારમાં આવેલા ખેતરમાં પોતાના મળતીયાઓ મારફતે પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યા હતા. જ્યાં વાસદ પોલીસ ગઈકાલે સાંજે ઓચિંતો છાપો માર્યો હતો.
દરોડાની જાણ થઈ જતા ગજેન્દ્રસિંહ અને ઈર્શાદ સહિત અન્ય એક શખ્સ ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસે જુગાર રમી રહેલા પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. રસિક ઉપેન્દ્રસિંહ પરમાર રહે. ભલાડા માતર, ઈસુબ મિયા ઈમામિયા મલેક રહે. માતર, વીરુભાઈ નરવતભાઈ પરમાર રહે. સાવલી, સંદીપ વસંતભાઈ રાવળ રહે. વડોદરા અને વિજય કિરીટભાઈ પરમાર રહે. સાવલીવાળાને ઝડપી પાડયા હતા.
પોલીસે દાવ પરથી રોકડા રૂપિયા ૧૭૦૯૦, ચાર મોબાઈલ, કાર મળી રૂા. ૧૦,૩૯,૦૯૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.