![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં તેજી જોવા મળી હતી. કરન્સી બજારમાં ડોલર ઉછળતાં તથા રૂપિયો ગબડતાં ઝવેરી બજારમાં ઈંમ્પોર્ટ કોસ્ટ વધી જતાં બજારમાં તેજીનો માહોલ આજે જોવા મળ્યો હતો. જોકે નવી માગ ધીમી રહી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં બેતરફી ઉછળકુદ જોવા મળી હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૩ હજાર ઉછળ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૯૫.૭૫ સુધી ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ઉંચામાં ૪૭૭૩ તથા નીચામાં ૪૬૮૫ ડોલર થઈ ૪૭૦૫થી ૪૭૦૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા. અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૬૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૬૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ ઉછળી રૂ.૨૬૫૦૦૦ બોલાયા હતા.
વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંસના ઉંચામાં ૮૭.૬૦ ડોલર તથા નીચામાં ભાવ ૮૩.૦૮ થઈ ૮૪.૪૭થી ૮૪.૪૮ ડોલર રહ્યા હતા. દરમિયાન,યુદ્ધની આશંકા ફરી વધતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૦૩.૬૩થી વધી ૧૦૮.૨૨ થઈ ૧૦૭.૬૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૨.૦૫ થઈ ૧૦૧.૨૭ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજિરમાં આજે સોનાના ભાવ રૂ.૧૩૦૦ તથા ચાંદીના ભાવ વધુ રૂ.૮૦૦૦ ઉછળ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૧૦૨૫ તથા ૯૯૯ના રૂ.૧૫૧૬૩૨ તથા મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૬૭૮૨૦ થઈ રૂ.૨૬૪૮૬૭ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાંજીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ઔંસના ૨૧૫૦ તથા નીચામાં ૨૦૫૯ ડોલર થઈ ૨૧૦૮થી ૨૧૦૯ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૦૦ વધી રૂ.૭૫૦૨૯ બોલાયા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના ઉંચામાં ૧૫૨૩ ડોલર તથા નીચામાં ૧૪૭૮ ડોલર થઈ ૧૪૮૫થી ૧૪૮૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૬કા વધુ વધ્યા હતા. રશિયાથી ક્રૂડની નિકાસ ઘટયાની ચર્ચા હતી.










