Jamnagar Accident : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર મોટી બાણુગાર પાસે ચાર દિવસ પહેલાં સર્જાયેલા ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા એક યુવાને સારવારમાં દમ તોડ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતો નારણભાઈ ધીરુભાઈ સરવૈયા (ઉંમર વર્ષ 30) કે જે 17મી તારીખે પોતાનું બાઈક લઈને જામનગર રાજકોટ ધોરી માર્ગ પર મોટી બાણુગાર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન જી.જે. 12 ઝેડ 2041 નંબરના ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેદરકારી પૂર્વક ચલાવી બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં નારણભાઈ સરવૈયાને ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેનું મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ વિપુલભાઈ ધીરુભાઈ સરવૈયાએ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે, જેને આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે.