![]()
વિસાવદર ભાજપના કાર્યકર સહિત 3 સામે ફરિયાદ : લાભાર્થીઓના અંગૂઠાના નિશાન લઈ અનાજ ન આપી અથવા ઓછું આપી BPL કાર્ડમાંથી નામ કાઢી નાખવા ધમકી આપતા હતા
જૂનાગઢ, : સરકાર દ્વારા ગરીબો માટે ફાળવવામાં આવતા અનાજના જથ્થામાં મોટાપાયે ગેરરીતિ અને કાળાબજાર કરવાનો એક ચોંકાવનારો કિસ્સો વિસાવદર ખાતે પ્રકાશમાં આવ્યો છે. સ્થાનિક મામલતદારે આ મામલે કડક વલણ અપનાવીને ભાજપના કાર્યકર સહિત ત્રણ આરોપીઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સરકારી તંત્ર દ્વારા જેતલવડની દુકાનમાં ઓચિંતી તપાસ કરવામાં આવી ત્યારે અનાજના જથ્થામાં મોટાપાયે ઘટ જોવા મળી હતી જે અનાજ બારોબાર કાળાબજારમાં વેંચી દેવાયું છે. ગેરરીતિ અંગેની કુલ રૂપિયા 1,56,959ની રકમ આજદિન સુધી સરકારી તિજોરીમાં ભરપાઈ ન કરી આરોપીઓએ તંત્ર સમક્ષ ખોટા જવાબો રજૂ કર્યા હતા. ત્રણેય આરોપીઓએ ભેગા મળીને કાયદેસરના રાશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ ન આપીને અથવા ઓછું આપીને છેતરપિંડી આચરી હતી. ગરીબ કાર્ડધારકો ઓનલાઈન મશીનમાં પોતાના અંગૂઠાની છાપ આપે તે પછી પણ તેમને અનાજ અપાતું ન હતું. જો કોઈ આ અંગે અવાજ ઉઠાવે તો તેમને બીપીએલ કાર્ડમાંથી નામ કાઢી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. આ વિશે વિસાવદરના મામલતદાર આર.એન. ખોડભાયાએ સરકારી નિયમોના ઉલ્લંઘન, વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરા બદલ વિસાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પીઆઈએ ગુનો નોંધીને તમામ આરોપીઓ વિરૂધ્ધ વધુ તપાસ હાથ ધરી છે.









