મુંબઈ : દેશમાં વાહનોના રિટેલ વેચાણમાં વૃદ્ધિની દ્રષ્ટિએ વર્તમાન નાણાં વર્ષનો પ્રારંભ ધીમી ગતિએ થયાનું જોવા મળે છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ એટલે કે એપ્રિલમાં ઓટોનું એકંદર રિટેલ વેચાણ વાર્ષિક ધોરણે ૨.૯૫ ટકા વધી ૨૨,૮૭,૯૫૨ વાહનો રહ્યું છે. ૨૦૨૪ના એપ્રિલમાં આ આંક ૨૨,૨૨,૪૬૩ રહ્યો હતો.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ’ એસોસિએશન (ફાડા)ના આંકડા પ્રમાણે વાહનોમાં સૌથી વધુ વેચાણ વૃદ્ધિ ૨૪.૫૦ ટકા સાથે થ્રી વ્હીલર્સમાં જોવા મળી છે જ્યારે ટુ વ્હીલર્સ તથા ઊતારૂ વાહનોમાં આ આંક ૨.૨૫ ટકા અને ૧.૫૦ ટકા રહ્યો છે. ટ્રેકટર્સનું વેચાણ ૭.૫૦ ટકા વધ્યુ છે જ્યારે કમર્સિઅલ વાહનોના વેચાણમાં એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાનું ફાડાના ડેટા જણાવે છે.
ેગત મહિને ટુ વ્હીલર્સનો વેચાણ આંક ૧૬૮૬૭૭૪ રહ્યો હતો જે ગયા વર્ષના એપ્રિલમાં ૧૬૪૯૫૯૧ જોવાયો હતો. ઊતારૂ વાહનોનું વેચાણ જે ૨૦૨૪ના એપ્રિલમાં ૩,૪૪,૫૯૪ રહ્યું હતું તે વર્તમાન વર્ષના એપ્રિલમાં ૧.૫૫ ટકા વધી ૩,૪૯,૯૩૯ એકમ રહ્યું છે.
ચૈત્ર નવરાત્રિ ઉપરાંત અખાત્રીજ, બૈસાખી જેવા તહેવારોને કારણે એપ્રિલ મહિનો ઓટો ઉદ્યોગ માટે પોઝિટિવ પસાર થયાનું ફાડાના પ્રમુખ સીએસ વિઘ્નેશ્વરે જણાવ્યું હતું.
મિશ્ર આર્થિક પડકારો વચ્ચે ટુ વ્હીલર્સની માગમાં સ્થિતિસ્થાપકતા રહી હતી. માર્ચની સરખામણીએ એપ્રિલમાં ટુ વ્હીલર્સના વેચાણમાં ૧૧.૮૪ ટકા વધારો થયો હતો.
રવી મોસમમી લણણી પ્રોત્સાહક રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં ડીલરોને પૂછપરછમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. વર્તમાન વર્ષનું ચોમાસુ સામાન્ય કરતા ઊંચુ રહેવાની આગાહી તથા રિઝર્વ બેન્ક દ્વારા લિક્વિડિટી વધારવાના પગલાંને કારણે ધિરાણ દરમાં વધુ ઘટાડાની શકયતા વચ્ચે ફાડાએ ઓટોના રિટેલ વેચાણ સંદર્ભમાં ટૂંકા ગાળા માટે સાવચેતીભર્યો આશાવાદ વ્યકત કર્યો છે.