Mamata Banerjee On Waqf Amendment Act : વક્ફ સુધારા કાયદાને લઈને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં હિંસા અને તણાવની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે શનિવારે (12 એપ્રિલ, 2025) કહ્યું હતું કે, ‘આ કાયદો રાજ્યમાં લાગુ થવાનો નથી તો પછી હિંસા કેમ થઈ રહી છે? તેમણે રાજ્યના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.’
‘અમે વક્ફના કાયદાને સમર્થન આપ્યું નથી’
મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું, ‘જે કાયદા વિશે વાત કરવામાં આવી રહી છે તે કેન્દ્ર સરકારે બનાવ્યો છે, રાજ્ય સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે વક્ફના કાયદાને સમર્થન આપ્યું નથી અને આ કાયદો બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં.’ તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘આ મુદ્દાને લઈને જેના દ્વારા લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે: મમતા બેનર્જી
મમતા બેનર્જીએ ધર્મના નામે રાજનીતિ કરવા અને લોકોને ગેરમાર્ગે દોરવાને લઈને અમુક રાજકીય પાર્ટી પર આરોપ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘કેટલીક પાર્ટીઓ ધાર્મિક ભાવનાનો દુરોપયોગ કરીને રાજકીય ફાયદો ઉઠાવવા ઈચ્છે છે. પરંતુ ધર્મનો સાચો મતલબ છે, માણસાઈ, કરૂણા, સભ્યતા અને ભાઈચારો…’ જ્યારે મુખ્યમંત્રીએ લોકોને શાંતિ જાળવવા અને અફવાથી દૂર રહેવાની અપીલ કરી છે.
એડીજીએ શું કહ્યું?
આ પહેલા રાજ્યના એડીજીએ પણ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી. એડીજીએ કહ્યું હતું કે, ‘ઘણી જગ્યાએ ખોટી માહિતી ફેલાવવાના ફેક્ટરી કાર્યરત છે, જેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હિંસા કે ઉશ્કેરણીમાં સામેલ લોકોને ઓળખીને ધરપકડ કરવામાં આવી રહી છે.’
આ પણ વાંચો: વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ
અગાઉ પણ વક્ફ કાયદાનો કર્યો હતો વિરોધ
તૃણમૂલ કોંગ્રેસ શરૂઆતથી જ વક્ફ સુધારા બિલનો વિરોધ કરી રહી છે. તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જીએ સંસદની સંયુક્ત સમિતિમાં આનો સખત વિરોધ કર્યો હતો, જ્યારે તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાએ સુપ્રીમ કોર્ટમાં આ કાયદા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. થોડા દિવસો પહેલા મમતા બેનર્જીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘બંગાળમાં કોઈને પણ વક્ફ મિલકત હડપ કરવા દેવામાં આવશે નહીં.’ તેમણે લઘુમતીઓને ખાતરી આપી હતી કે, ‘જ્યાં સુધી દીદી છે, ત્યાં સુધી કોઈ તમારી મિલકત છીનવી શકશે નહીં.’