World Otter Day 2026: દર વર્ષે મે મહિનાના છેલ્લા બુધવારે વિશ્વભરમાં વર્લ્ડ ઓટર ડે (વિશ્વ જળબિલાડી દિવસ) ઉજવવામાં આવે છે. આ વર્ષે જ્યારે આખો દેશ જળબિલાડીના સંરક્ષણની ચર્ચા કરી રહ્યો છે, ત્યારે ગુજરાતના સુરત શહેર માટે ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2006 માં તાપી નદીમાં આવેલા વિનાશક પૂર દરમિયાન રેસ્ક્યુ કરાયેલી માત્ર ત્રણ જળબિલાડીઓથી શરૂ થયેલી સફર આજે એક ઐતિહાસિક મુકામે પહોંચી ગઈ છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક (ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન) આજે દેશનું સૌથી સફળ ઓટર બ્રિડિંગ હબ બની ગયું છે. પૂરમાંથી માંડ-માંડ બચેલી 3 જળબિલાડીઓની સંખ્યા આજે વધીને 63 પર પહોંચી ગઈ છે! દેશના 500થી વધુ પ્રાણીસંગ્રહાલયો વચ્ચે સુરત એકમાત્ર એવું કેન્દ્ર છે જ્યાં જળબિલાડીઓનું આટલું સફળ અને સતત બ્રિડિંગ થઈ રહ્યું છે.
પૂરની આપત્તિ કેવી રીતે બની આશીર્વાદ? 2006નો એ કિસ્સો
વર્ષ 2006 સુધી સુરત પાલિકાના નેચર પાર્ક માટે વર્લ્ડ ઓટર ડે એક સામાન્ય દિવસ જેવો જ હતો. પરંતુ 2006માં તાપી નદીમાં આવેલા ભયાનક પૂર વખતે બધું બદલાઈ ગયું. અમરોલી વિસ્તારમાં ભરાયેલા પૂરના પાણીમાંથી ફાયર વિભાગને જળબિલાડીની એક જોડી (નર અને માદા) મળી આવી હતી. આ ઓટર પૈકી નર જળબિલાડી ઈજાગ્રસ્ત હતી. ફાયર વિભાગે તેમને તાત્કાલિક નેચર પાર્કને સોંપી દીધી. અહીં વન્યજીવ નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી અને યોગ્ય જોડી તૈયાર થઈ. તે સમયે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે પૂરની આફતમાં બચાવાયેલી આ જળબિલાડીઓ એક દિવસ સુરત ઝૂને સમગ્ર દેશમાં નવી ઓળખ અપાવશે.

એક માદા જળબિલાડીએ આપ્યો 7 બચ્ચાને જન્મ: દેશની દુર્લભ ઘટના!
સરથાણા નેચર પાર્કે વર્ષ 2024માં વન્યજીવ ઇતિહાસમાં એક અત્યંત દુર્લભ અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી હતી. 6 ડિસેમ્બર 2024 ના રોજ એક માદા જળબિલાડીએ એકસાથે 7 બચ્ચાને જન્મ આપ્યો હતો. સામાન્ય રીતે જળબિલાડી એકથી ચાર બચ્ચાને જ જન્મ આપે છે, અને સુરત ઝૂમાં પણ અગાઉ મહત્તમ ચાર બચ્ચાના જન્મનો જ રેકોર્ડ હતો. પરંતુ એકસાથે સાત સ્વસ્થ બચ્ચાનો જન્મ થવો એ ભારતના કોઈપણ ઝૂ માટે એક અજાયબી સમાન ઘટના છે. જળબિલાડી અત્યંત સંવેદનશીલ પ્રાણી હોવાથી પાંજરામાં (કેદમાં) તેનું પ્રજનન કરાવવું ખૂબ જ કઠિન ગણાય છે, છતાં સુરત ઝૂના સાનુકૂળ વાતાવરણને કારણે આ અશક્ય કામ શક્ય બન્યું છે.
આ પણ વાંચો : કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો
કેનિબિલિઝમનો પડકાર: ઝૂ ઓથોરિટી કેવી રીતે રાખે છે કાળજી?
જળબિલાડીઓ શારીરિક રીતે ખૂબ સ્વસ્થ રહે છે, પરંતુ તેમની વચ્ચે જંગલનો એક ક્રૂર નિયમ પ્રવર્તે છે. કેનિબિલિઝમ આ પ્રાણીઓમાં માતા પોતાના જ નબળા અથવા શારીરિક ખોડખાંપણ ધરાવતા નવજાત શિશુઓને મારી નાખે છે. જળબિલાડીઓ પોતાની અંદર અલગ-અલગ ગ્રૂપ બનાવી લે છે. ઘણીવાર આ ગ્રૂપના સભ્યો બીજા ગ્રૂપના નબળા સભ્યોને નિશાન બનાવીને મારી નાખતા હોય છે. આ કુદરતી પડકાર સામે સુરત ઝૂ ઓથોરિટી ખૂબ જ સતર્કતા પૂર્વક કામ કરે છે. ઝૂના સ્ટાફ દ્વારા આવા અમુક હિંસક કે નબળા ગ્રૂપને અલગ પિંજરામાં શિફ્ટ કરવામાં આવે છે અને તેમના સ્પેશિયલ બ્રિડિંગ તથા ડાયેટ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

સુરતની જળબિલાડીના બદલામાં મળ્યા સિંહ, સફેદ વાઘ અને વિદેશી પક્ષીઓ!
સુરત ઝૂ પાસે જળબિલાડીઓની સંખ્યા એટલી મોટી અને ગુણવત્તાયુક્ત છે કે દેશના અન્ય રાજ્યોના ઝૂ પણ હવે સુરત પાસેથી ઓટર મેળવવા લાઈન લગાવીને ઉભા છે. એનિમલ એક્સચેન્જ સ્કીમ હેઠળ સુરત ઝૂએ દેશના અલગ-અલગ રાજ્યોને જળબિલાડીઓ આપીને તેના બદલામાં અનેક કિંમતી પશુ-પક્ષીઓ મેળવ્યા છે.
અમદાવાદ ઝૂ (2014-15): 1 જળબિલાડીના બદલામાં 6 પેલીકન પોપટ, 2 નીલગાય, 4 એલેક્ઝાન્ડ્રીયન પોપટ, 2 શાહુડી અને 2 હોગ હરણ મળ્યા.
હૈદરાબાદ ઝૂ (2015-16): 2 જળબિલાડીના બદલામાં 4 માઉસડીઅર મળ્યા.
ચંદીગઢ ઝૂ (2016-17): 2 જળબિલાડીના બદલામાં 2 હિમાલયન રીંછ, 2 સોનેરી તેતર અને 2 પેઇન્ટેડ સ્ટોર્ક મળ્યા.
મૈસુર ઝૂ (2017-18): 2 જળબિલાડી આપીને 2 ઝરખ અને 2 કાળા હંસ મેળવ્યા.
રાયપુર ઝૂ (2020-21): માત્ર 2 જળબિલાડીના બદલામાં સુરતને 2 સિંહ મળ્યા.
રાજકોટ ઝૂ (2021-22): 2 જળબિલાડીના બદલામાં 2 સફેદ વાઘ, 2 સિલ્વર તેતર અને 2 શિયાળ સુરત લાવવામાં આવ્યા.
વિદેશી પક્ષીઓ અને દુર્લભ હરણ (2022-23): 4 જળબિલાડી આપીને 6 મકાઉ પોપટ, 2 રેનબો લોરી કટ, 2 બ્લેક સ્વાન, 5 સ્ટેટસ અને 4 ચાર-શીંગડાવાળા કાળિયાર નેચર પાર્કમાં લાવવામાં આવ્યા છે.

સુરતમાં હંમેશા આફતને અવસરમાં બદલવાનું હુનર
એક સમયે જે પ્રાણી પૂરના પાણીમાં તણાઈને મરવાની અણી પર હતું, તે જળબિલાડી આજે પોતાની ક્ષમતાના જોરે સુરત જ નહીં પણ આખા ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે ગૌરવનું પ્રતીક બની ગઈ છે.










