![]()
IndusInd Bank Controversy: ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક ‘ઇન્ડસઇન્ડ બેંક’ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બેંકમાં આશરે 2000 કરોડ રૂપિયાની ડેરિવેટિવ્સ એકાઉન્ટિંગ ગડબડી સામે આવ્યા બાદ, હવે એક વિસલબ્લોઅરની ફરિયાદને કારણે નવો હોબાળો મચ્યો છે. બેંકના જ એક પૂર્વ વરિષ્ઠ અધિકારી પર ગુપ્ત માહિતીના આધારે ગેરકાયદેસર રીતે 46 કરોડ રૂપિયા કમાવવાનો આરોપ લાગ્યો છે. આ મામલાની ગંભીરતાને જોતા વિસલબ્લોઅરે વડાપ્રધાન કાર્યાલય (PMO), ભારતીય રિઝર્વ બેંક (RBI) સહિત દેશની સર્વોચ્ચ તપાસ એજન્સીઓ પાસે તપાસની માંગ કરી છે.
આ નકારાત્મક સમાચારની સીધી અસર બેંકના શેર પર જોવા મળી છે. આજના શરૂઆતના કારોબારમાં જ ઇન્ડસઇન્ડ બેંકનો શેર આશરે 2.50% કરતાં વધુ ઘટીને 888.80 રૂપિયાના સ્તરે આવી ગયો હતો.
ઇન્સાઇડર ટ્રેડિંગ દ્વારા 46 કરોડનો નફો કમાયાનો આરોપ
એક રિપોર્ટ મુજબ આ ફરિયાદની નકલો સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) અને નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિગ ઓથોરિટી (NFRA)ને પણ મોકલવામાં આવી છે. ફરિયાદમાં બેંકના ભૂતપૂર્વ ઇસ્ટ ઝોનલ હેડ સમિર અગ્રવાલ પર ઇન્સાઇડર ટ્રેડિંગનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
વિસલબ્લોઅરનો દાવો છે કે સમિર અગ્રવાલે બેંકની અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતીનો દુરુપયોગ કરીને પોતાના પરિવાર અને સંબંધિત સંસ્થાઓ મારફતે શેરોમાં ટ્રેડિંગ કર્યું હતું. આરોપ છે કે બેંકની મહત્ત્વપૂર્ણ માહિતી જાહેરમાં બહાર આવે તે પહેલાં, આશરે 815 કરોડ રૂપિયાના શેર સોદા કરીને આશરે 46 કરોડ રૂપિયાનો મોટો નફો ગેરકાયદેસર રીતે કમાવવામાં આવ્યો હતો.
ઓડિટ રિપોર્ટ દબાવવા અને લોનની એવરગ્રીનિંગના ગંભીર આક્ષેપો
આ વિસલબ્લોઅર દ્વારા માત્ર ઇન્સાઇડર ટ્રેડિંગ જ નહીં, પરંતુ બેંકના ગવર્નન્સને લઈને પણ ઘણા ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં નીચેની બાબતો સામેલ છે:
• બેંકના નાણાકીય રેકોર્ડ્સ અને એકાઉન્ટિંગમાં મોટા પાયે હેરફેર કરવી.
• માઇક્રોફાઇનાન્સ લોનની ‘એવરગ્રીનિંગ’ (ખરાબ લોનને સારી બતાવવી) કરવી.
• ઇન્ટરનલ ઓડિટ દરમિયાન સામે આવેલા વાસ્તવિક નિષ્કર્ષો અને ખામીઓને દબાવવાનો પ્રયાસ કરવો.
• બેંકમાં ચાલી રહેલી કથિત અનિયમિતતાઓને છુપાવવી.
વિસલબ્લોઅરનો સીધો આરોપ છે કે બેંકના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ અને બોર્ડના સભ્યોએ પણ આ આખી ગડબડી પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો.
ઇન્ડસઇન્ડ બેંકે તમામ આરોપોને નકારી કાઢ્યા
બીજી તરફ, ઇન્ડસઇન્ડ બેંકે આ તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. બેંકે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તે વિસલબ્લોઅર દ્વારા લગાવવામાં આવેલા આ આક્ષેપોને સ્વીકારતી નથી. બેંકના જણાવ્યા અનુસાર, આ પ્રકારની તમામ ફરિયાદોની આંતરિક રીતે વિગતવાર તપાસ કરવામાં આવી છે અને જે પણ જરૂરી કાર્યવાહી હતી તે રેગ્યુલેટરી નિયમો તથા બેંકની આંતરિક નીતિઓ અનુસાર જ કરવામાં આવી છે.
બેંકે એવો પણ દાવો કર્યો છે કે કેટલાક મુદ્દાઓની જાણ તેણે પોતે જ સામેથી સંબંધિત ઓથોરિટીઝને કરી હતી. હાલમાં આ સમગ્ર મામલો સમીક્ષા હેઠળ હોવાથી બેંક આનાથી વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં.
નિયામકોની દેખરેખ વધુ કડક બનશે
આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે 2000 કરોડ રૂપિયાની એકાઉન્ટિંગ ગડબડીના વિવાદ વચ્ચે આ નવી ફરિયાદ આવવાથી RBI અને અન્ય નિયામક એજન્સીઓ ઇન્ડસઇન્ડ બેંક પર પોતાની પકડ વધુ મજબૂત કરી શકે છે. જો તપાસ એજન્સીઓને આ આક્ષેપોમાં પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તથ્ય જણાશે, તો બેંક અને તેના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ મોટી કાનૂની તપાસ શરૂ થઈ શકે છે.










