2.36 Lakh Trees Cut Down in 5 Years, Gujarat: ગુજરાતમાં વિકાસના નામે કુદરતનો ભોગ લેવાની સરકારી મંજૂરીઓ હવે ચિંતાજનક સપાટીએ પહોંચી ગઈ છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગના તાજેતરના ખુલાસાએ રાજ્ય સરકારની પર્યાવરણપ્રેમી છબીના લીરેલીરા ઉડાડી દીધા છે. સરકારી આંકડાઓ જ સાક્ષી પૂર છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 2.36 લાખથી વધુ લીલાછમ અને ઘટાદાર વૃક્ષોને જમીનદોસ્ત કરાયાં છે. એટલું જ નહીં, પર્યાવરણ દીન ઉજવવા તૈયારી કરાઈ છે પણ ગુજરાતમાં 1313.39 હેક્ટર જંગલની જમીન અન્ય હેતુ માટે પધરાવી દેવાઈ છે.
જંગલની જમીન અન્ય હેતુમાં પધરાવી દેવાઈ
એક બાજુ, વન અને પર્યાવરણ વિભાગ દર વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ કે ‘વન મહોત્સવ’ જેવા સરકારી તાયફાઓ પાછળ જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે છે. મંત્રીઓ અને અધિકારીઓ હાથમાં છોડ પકડીને ફોટો સેશન કરાવે છે અને જનજાગૃતિના મોટા-મોટા બણગાં ફૂંકે છે. સરકારી નર્સરીઓમાં લાખો રોપાઓ ઉછેરવાનો દાવો થાય છે. પરંતુ બીજી જ મિનિટે, એ જ સરકાર પોતાની કલમના એક જ ઝાટકે દાયકાઓ જૂના, ઘટાદાર ઓક્સિજન આપતા વૃક્ષો પર કુહાડી ચલાવવાની સત્તાવાર મંજૂરી આપી દે છે.

રસ્તા પહોળા કરવા, સરકારી ઇમારતો બનાવવી અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના બહાને ગુજરાતના મુખ્ય શહેરોને જીવતા-જાગતા ગ્રીન ઝોનમાંથી સિમેન્ટ-કોંક્રિટના ધગધગતા જંગલોમાં ફેરવી દેવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવામાં આવે છે, નિયમ મુજબ એક વૃક્ષ કાપવા સામે નવા છોડ વાવવાના હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કાગળ પર વવાતા આ છોડમાંથી કેટલા જીવતા રહે છે તેનો કોઈ જ હિસાબ સરકાર પાસે નથી. ભ્રષ્ટ વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરો માત્ર પોતાના ફાયદા માટે વૃક્ષોને કાપી નાખવાનો ટૂંકો રસ્તો અપનાવે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રોગચાળો નાથવા ગૃહમંત્રી શાહ મેદાને, CM-મેયર સાથે ચર્ચા, 40 ટીમ ઘેર-ઘેર સરવે કરવા દોડી
ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક 2025 રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં જંગલની 1313.39 હેક્ટર જમીન અન્ય હેતુ માટે આપી દેવાઈ છે. આ ઉપરાંત 854.62 હેક્ટર વનનનની જમીનને રોડ અને ટ્રાન્સમિશન લાઇન ના ઉપયોગમાં લેવામાં આવી છે, જ્યારે 421.31 હેક્ટર જમીનને ઉદ્યોગોને અને ટાઉનશિપ બનાવવા પધરાવી દીધી છે. સિંચાઈ માટે 15.63 હેક્ટર જમીન અપાઇ છે. નોંધનીય છેકે, છેલ્લાં 25 વર્ષમાં ગુજરાતમાં 100 હેક્ટર વૃક્ષ આવરશ ઘટ્યુ છે, તેમાંય ગુજરાતમાં સૌથી વધુ ટ્રી કવરનું નુકસાન નર્મદા અને ત્યાર બાદ ડાંગ જિલ્લામાં થયું છે.
ગ્રીન કવરના આ ગંભીર ઘટાડાને કારણે અમદાવાદ જેવા શહેરો ‘હીટ આઈલેન્ડ’ બની ગયા છે. પ્રદૂષણનું સ્તર રોજ નવી સપાટી વટાવી રહ્યું છે અને શ્વાસના રોગો વધી રહ્યા છે. જો સરકાર વિકાસની આ જ આંધળી દોટચાલુ રાખશે અને પર્યાવરણનો સરેઆમ સોદો કરાતો રહેશે, તો ગુજરાતની ભાવિ પેઢી શુદ્ધ હવા અને પાણી માટે તરસશે તે નક્કી છે.










