મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં રેકોર્ડ તેજી અટકી ભાવ ફરી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી નિકળી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ સોનામાં ઉંચા મથાળે નવી માગ ધીમી રહેતાં નફારૂપી માનસ વેંચવાનું રહ્યું હતુપં. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૦૦૦૦ બોલાતા થયા હતા.
અમદાવાદ ચાંદીના ભાવ જો કે કિલોના રૂ.૯૭૦૦૦ના મથાળે શાંત હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ભાવ ઔંશના ૩૩૮૯થી ૩૩૯૦ વાળા નીચામાં ૩૩૨૦ થઈ ૩૩૫૬થી ૩૩૫૭ ડોલર રહ્યાના સમાચાર હતા. ચીનથી મળતા સમાચાર મુજબ ત્યાં સરકારે સોનાની આયાતમાં ક્વોટા વધારવા ઉપરાંત આવી આયાત માટે ફોરેન કરન્સી ખરીદવાની છૂટ પણ આપ્યાની ચર્ચા વિશ્વ બજારમાં આજે સંભળાઈ રહી હતી.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૨.૮૨થી ૩૨.૮૩ વાળા નીચામાં ૩૨.૨૨ થઈ ૩૨.૫૦થી ૩૨.૫૧ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવુ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૭૦૩૬ વાળા રૂ.૯૫૬૪૦ થઈ રૂ.૯૬૬૪૧ બંધ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૭૪૨૬ વાળા રૂ.૯૬૦૨૪ થઈ રૂ.૯૭૦૩૦ બંધ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૫૭૭૪ વાળા રૂ.૯૪૬૦૦ થઈ રૂ.૯૫૨૨૫ બંધ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ નીચામાં ૯૭૪ તથા ઉંચામાં ભાવ ૯૮૮ થઈ ૯૮૪થી ૯૮૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૫૯ તથા ઉંચામાં ૯૭૮ થઈ ૯૭૨થી ૯૭૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૭૦ ટકા માઈનસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાીવમાં વધ્યા મથાળે બેતરફી ઉછળકુદ દેખાઈ હતી.
બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૨.૫૦ વાળા નીચામાં ૬૧.૦૦ તથા ઉંચામાં ૬૨.૧૯ થઈ ૬૧.૮૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૫૮.૮૪ ડોલર રહ્યા હતા.
અમેરિકા તથા ચીન વચ્ચે ટૂંકમાં વેપાર કરાર થશે એવી ચર્ચાતી શક્યતા વચ્ચે હવે અમેરિકા અને બ્રિટન વચ્ચે પણ ટૂંકમાં આવા વેપાર કરાર કરવામાં આવશે એવી શક્યતા વિશ્વ બજારમાં આજે ચર્ચાતી થઈ હતી. આની અસર વિશ્વના બજારો પર દેખાઈ હતી.