image : Freepik
Vadodara : ભાણીના છૂટાછેડા બાદ સમાધાન પેટેની રકમની તકરારમાં મામા મામીએ ભાણી ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે મામા-મામી અને વેવાઈ વિરુદ્ધ બીએનએસ 115 (1), 117 (2) 296 (બી) સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મહેસાણાના વતની અને બાપોદ જકાતનાકા પાસે રહેતા અંકિતાબેન (નામ બદલ્યું છે )ના લગ્ન 20 વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ દાણોદરા ગામ ખાતે થયા હતા. આ દરમિયાન સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. ત્યારબાદ મહિલાએ આઠ વર્ષ અગાઉ ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્નજીવન દરમ્યાન છૂટાછેડા થતા પતિએ અંકિતાબેનને ભરણ પોષણ માટે 3 લાખ આપ્યા હતા. આ સમાધાન દરમિયાન વચ્ચે રહેલ અંકિતાના મામા નગીનભાઈ વિરજીભાઈએ સમાધાન પેટે દોઢ લાખ રૂપિયા લીધા હતા. જ્યારે બાકીના દોઢ લાખ અંકિતાની માતાને આપ્યા હતા. અંકિતાને નાણાની જરૂરિયાત ઉદ્ભવતા તેણે આ નાણાની માંગણી મામા પાસે કરતા તેના મામાએ જણાવ્યું હતું કે, તારા પૈસા તારી મમ્મી પાસે છે હું તને અપાવી દઈશ. ત્યારબાદ મામા તેમની પત્ની મંજુબેન અને તેઓના વેવાઈ કાલિદાસ સાથે અંકિતાના ઘરે પહોંચ્યા હતા. અને અંકિતાના માતા પાસેથી પૈસા અપાવવા માટે અંકિતાના ભાઈ સાથે હાથાપાઈ કરી ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન અંકિતાબેને ઝઘડો કેમ કરો છો તેમ કહેતા મામી મંજુબેન તથા મામા નગીનભાઈએ ઉશ્કેરાઈ જઈ તેમની સાથે પણ હાથાપાઈ કરી લાકડાના દંડા વડે માર મારતા અંકિતાબેનને ઇજાઓ પહોંચવાની સાથે હાથનું હાડકું ભાંગી જતા ઓપરેશન કરવાની નોબત આવતા હાલ તેઓ સારવાર હેઠળ છે.