નવી દિલ્હી,
તા. ૧૧
ભારત અને પાકિસ્તાનની વચ્ચે પહલગામ હુમલા પછી શરૃ થયેલી
તંગદિલીની વચ્ચે પણ ભારતીય શેર બજાર પર વિદેશી રોકાણકારોનો વિશ્વાસ કાયમ રહ્યો છે.
મે મહિનામાં અત્યાર સુધી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ ભારતીય
ઇક્વિટીમાં ૧૪૦૦૦ કરોડ રૃપિયાથી વધુ રકમનું રોકાણ કર્યુ છે.
આ સતત બીજો મહિનો છે જ્યારે વિદેશી રોકાણકારો પરત ફર્યા છે
અને તેમના દ્વારા શેર બજારમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. ડિપોઝિટરીના
આંકડા ધ્યાનમાં લેવામાં આવે તો મે મહિનામાં અત્યાર સુધીમાં એફપીઆઇએ ૧૪,૧૬૭ કરોડ
રૃપિયાનું રોકાણ કર્યુ છે.
સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે વિદેશી રોકાણકારોએ આ રોકાણ એવા
સમયે કર્યુ છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૃઆત થઇ ગઇ હતી. ઉલ્લેખનીય
છે કે વિદેશી રોકાણકારોએ વર્ષ ૨૦૨૫માં ત્રણ મહિના પછી એપ્રિલમાં ભારતીય શેરબજારમાં
ખરીદવાનું શરૃ કર્યુ છે.
એપ્રિલ મહિનામાં એફપીઆઇએ ભારતીય શેરબજારમાં ૪૨૨૩ કરોડ
રૃપિયાનું રોકાણ કર્યુ હતું. જો કે ૯ મેના રોજ સપ્તાહના અંતિમ દિવસે ૩૭૯૮ કરોડ
રૃપિયાની વેચવાલી પણ જોવા મળી હતી.
જાન્યુઆરી,
૨૦૨૫માં એફપીઆઇએ ૭૮,૦૨૭ કરોડ
રૃપિયાનું વેચાણ કર્યુ હતું. જેની અસર શેરબજારમાં ઘટાડાના સ્વરૃપે પણ જોવા મળી
હતી. ફેબુ્રઆરીમાં એફપીઆઇએ ૩૪,૫૭૪ કરોડ
રૃપિયાનું વેચાણ કર્યુ હતું. માર્ચ મહિનામાં વેચવાલીનું પ્રમાણ ઘટયું હતું અને
વિદેશી રોકાણકારો દ્વારા વેચાણનો આંકડો ૩૯૭૩ કરોડ રૃપિયા રહ્યું હતું.
ભારત-પાકિસ્તાન યુદ્ધ છતાં વિદેશી રોકાણકારોનો ભારતીય
શેરબજારમાં વિશ્વાસ કાયમ રહેવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જેમાં અમેરિકન ડોલરની
નબળાઇ, અમેરિકા
અને ચીનના અર્થતંત્રમાં મંદી,
ભારતનો ઝડપી જીડીપી વિકાસ,
ભારતમાં મોંઘવારીમાં ઘટાડો,
ભારતમાં વ્યાજ દરમાં ઘટાડોનો સમાવેશ થાય છે.