મુંબઈ : બ્રાઝિલ તથા ઝીમ્બાબ્વેમાં પાક પર અસર પડતા ભારત ખાતેથી તમાકુની નિકાસ છેલ્લા ત્રણ વર્ષમાં વધીને બમણી થયાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે. નાણાં વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૯૨.૩૦ કરોડ ડોલરની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના ફેબુ્રઆરી સુધીમાં દેશમાંથી ૧૮૪ કરોડ ડોલરના તમાકુની નિકાસ થવા પામી છે.
માર્ચના અંત સુધીમાં આ આંક બે અબજ ડોલરને આંબી જવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ગયા નાણાં વર્ષના એપ્રિલથી ફેબુ્રઆરીની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ફેબુ્રઆરીમાં તમાકુની નિકાસમાં ૩૮.૬૦ ટકા વધારો જોવા મળ્યો છે.
૨૦૨૧માં કોવિડની સ્થિતિએ ભારતના તમાકુની માગમાં વધારો કરાવ્યો છે. ભારતમાં રસીકરણના પ્રયાસોને કારણે કૃષિ કામગીરીમાં ખલેલ પડી નહોતી. જ્યારે તમાકુ ઉગાડતા અન્ય દેશોમાં કૃષિ કામગીરી ખોરવાઈ ગઈ હતી જેને પરિણામે તમાકુના ઉત્પાદન પર પણ અસર જોવા મળી છે, એમ તમાકુ બોર્ડના સુત્રોએ જણાવ્યું હતું.
કોરોનાના કાળમાં દેશમાં કૃષિ કામકાજને પ્રાધાન્ય અપાયું હતું અને દેશના અર્થતંત્રને ટકાવી રાખવામાં કૃષિ ક્ષેત્રની કામગીરીની મોટી ભૂમિકા રહી હતી. વિશ્વ સ્તરે કૃષિ કામકાજ પર અસર પડતા વૈશ્વિક કંપનીઓ પાસે તમાકુના સ્ટોકમાં ઘટાડો થયો હતો.