મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ વિશ્વબજાર પાછળ વધુ ઘટાડા પર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી વધ્યાના સમાચાર મળ્યા હતા. બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૩૪થી ૩૦૩૫ વાળા નીચામાં ૨૯૯૯થી ૩૦૦૦ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૩૦૨૨થી ૩૦૨૩ ડોલર રહ્યા હતા.
વિશ્વબજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૦૫૦૦ તથા ૯૯૯ના રૂ.૯૦૮૦૦ બોલાતા થયા હતા.
અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૮૫૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઘટાડા પર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૩.૨૩થી ૩૩.૨૪ વાળા નીચામાં ૩૨.૬૬થી ૩૨.૬૭ થઈ છેલ્લે ભાવ ૩૩.૦૩થી ૩૩.૦૪ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૭૮૧૬ વાળારૂ.૮૭૬૫૦ તથા ૯૯૯ના રૂ.૮૮૧૬૯ વાળા રૂ.૮૮૦૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૬૨૦ વાળા રૂ.૯૭૧૫૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
નવી માગ ધીમી હતી. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ નીચામાં ૯૭૪થી ૯૭૫ તથા ઉંચામાં ૯૮૯થી ૯૯૦ થઈ છેલ્લે ભાવ ૯૭૯થી ૯૮૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ નીચામાં ૯૪૬થી ૯૪૭ તથા ઉંચામાં ૯૬૩થી ૯૬૪ થઈ છેલ્લે ભાવ ૯૫૯થી ૯૬૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
વૈશ્વિક કોપરના ભાવ આંચકા પચાવી ફરી વધી છેલ્લે સપ્તાહના અંતે ધીમો સુધારો બતાવી રહ્યા હતા. જોકે લંડન બજારની સરખામણીએ ન્યુયોર્ક કોપરના ફયુચર પ્રિમિયમો વધી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યાના વાવડ હતા. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ વધી ઉંચામાં ૧૦૪.૨૨ થઈ ૧૦૪.૧૫ રહ્યાના નિર્દેશો હતા.
વિશ્વબજાર પાછળ મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી રૂ.૮૫.૯૮થી વધી રૂ.૮૬ પાર કરી રૂ.૮૬.૦૨થી ૮૬.૦૩ બોલાઈ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. અમેરિકામાં બેરોજગારીના દાવા ૨૦૦૦ વધી ૨ લાખ ૨૩ હજાર આવ્યાના સમાચાર હતા. આના પગલે ત્યાં જોબમાર્કેટમાં નબળાઈ દેખાયાની ચર્ચા વિશ્વબજારમાં સંભળાઈ હતી.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ધીમો સુધારો દેખાયો હતો. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૧.૮૧ વાળા ઉંચામાં ૭૨.૫૧ થઈ છેલ્લે ભાવ ૭૨.૧૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડ ઉંચામાં ૬૮.૬૫ થઈ ૬૮.૨૧ ડોલર રહ્યું હતું. અમેરિકાએ ઈરાન પર અંકુશો વધારતાં ઈરાનના ક્રૂડની સપ્લાય દૈનિક ૧૦ લાખ બેરલ્સ ઘટવાની ભીતી જાણકારો બતાવતા હતા.