Mayawati Appointed Akash Anand As Chief National Coordinator: બસપા પ્રમુખ માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ફરી એકવાર રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવતાં જોવા મળશે. રવિવારે બસપાની હાઈલેવલ મીટિંગ બાદ આકાશને ચીફ નેશનલ કોઓર્ડિનેટરની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આકાશને ત્રણ નેશનલ કોઓર્ડિનેટર રિપોર્ટ કરશે.
મીડિયા સુત્રોએ જણાવ્યા પ્રમાણે, આગામી ચૂંટણીમાં આકાશ આનંદને પક્ષનો પ્રચાર કરવાની કમાન સોંપવામાં આવશે. બસપામાં હાલ ત્રણ નેશનલ કોઓર્ડિનેટર છે. જેમની ઉપર આકાશ આનંદ ચીફ નેશનલ કોઓર્ડિનેટર તરીકે દેખરેખ રાખશે.
પક્ષમાં નવી ઉર્જાનો સંચાર
બસપાના નેશનલ કોઓર્ડિનેટરમાં રાજ્યસભા સાંસદ રામજી ગૌતમ, રણધીર બેનીવાલ અને રાજારામ સામેલ છે. રામજી ગૌતમ સંગઠનમાં બિહાર પ્રદેશના પ્રભારી છે. આકાશ આનંદની રાજકારણમાં જવાબદારી વધતાં પક્ષમાં નવી ઉર્જાનો સંચાર થવાનો સંકેત મળ્યો છે.
આ પણ વાંચોઃ હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમિનાર નજીક ઈમારતમાં ભીષણ આગ, 17ના મોતની આશંકા
બસપામાંથી હાંકલપટ્ટી
માયાવતીના ભત્રીજા આકાશ આનંદ અને તેમના સસરા અશોક સિદ્ધાર્થને કથિત રીતે શિસ્તતાનો ભંગ કરવા બદલ પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા હતાં. જો કે, મહિના બાદ નાટકીય રૂપે બસપા પ્રમુખે આકાશને ફરી એક નવી તક આપવા નિર્ણય લીધો હતો. આકાશે 13 એપ્રિલના રોજ જાહેરમાં માફી પણ માગી હતી. તેમજ માયાવતીના નેતૃત્વ હેઠળ કામગીરી કરવાનો સંકલ્પ પણ લઈધો હતો. આકાશે કહ્યું હતું કે, હું માયાવતીને જ એકમાત્ર રાજકીય ગુરૂ અને રોલ મૉડલ માનું છું. કોઈપણ સગા-સંબંધી કે રાજકરણીની સલાહ ન લેવાનું વચન પણ લઉ છું.
માયાવતીએ આપી વધુ એક તક
આકાશે માયાવતી પાસે માફી માગતાં માયાવતીએ પણ X પર પોસ્ટ કરી આકાશને એક તક આપવાની જાહેરાત કરી હતી. બસપા સુત્રોનું કહેવુ છે કે, આકાશ આનંદની આ નવી ભૂમિકાથી આગામી ચૂંટણીમાં પક્ષ મજબૂતાઈથી ઉભરી આવશે. આકાશ આનંદ પક્ષના પ્રમુખ રણનીતિકાર તરીકે કામગીરી નિભાવશે. તેમની છબિ એક યુવા અને ઉર્જાવાન નેતા તરીકેની છે. જે પક્ષને યુવા નેતૃત્વનો સંદેશ આપશે.