SEBI: માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા(SEBI)એ વિદેશી રોકાણકારો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. સેબીએ ગ્રેન્યુલર ડિસ્ક્લોઝર માટેની થ્રેશોલ્ડ વર્તમાન રૂ. 25,000 કરોડથી વધારીને રૂ. 50,000 કરોડ કરવાની મંજૂરી આપી છે. આ ડિસ્ક્લોઝર PMLA/PMLR નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સંબંધિત છે.
સેબી દ્વારા જારી નોટિફિકેશન અનુસાર, “નાણાકીય વર્ષ 2022-23 અને વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 વચ્ચે રોકડ ઇક્વિટી માર્કેટ ટ્રેડિંગ વોલ્યુમ બમણાથી વધુ થયું છે. જેને ધ્યાનમાં રાખી બોર્ડે લાગુ થ્રેશોલ્ડ વર્તમાન રૂ. 25,000 કરોડથી વધારીને રૂ. 50,000 કરોડ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેથી હવે ભારતીય બજારોમાં રૂ. 50,000 કરોડથી વધુ ઇક્વિટી AUM ધરાવતા FPIsએ હવે 24 ઑગસ્ટ, 2023ની નોટિફિકેશનમાં વર્ણવ્યા મુજબ વધારાના ડિસ્ક્લોઝર રજૂ કરવાના રહેશે.
ડિસ્ક્લોઝર થ્રેશોલ્ડ પર નિયંત્રણ સંભવિત છેતરપિંડીને રોકવાનો હતો, જે 2020ના સરકારના નિર્દેશો દ્વારા ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશોમાંથી વિદેશી રોકાણો પર કડક ચકાસણી કરવામાં આવી હતી. વિદેશી રોકાણકારો સરળતાથી અને પારદર્શિતા સાથે રોકાણ કરી શકે તે હેતુ સાથે થ્રેસોલ્ડમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, સેબીએ આ નિયમમાં કોઈ ફેરફાર કર્યો નથી કે, જો 50 ટકાથી વધુ ઇક્વિટી AUM એક જ કોર્પોરેટ જૂથમાં કેન્દ્રિત હોય તો વધારાના ડિસ્ક્લોઝર રજૂ કરવાની જરૂર છે.