મુંબઈ : વર્તમાન માર્ચ મહિનામાં દેશના ઉત્પાદન તથા સેવા ક્ષેત્રને આવરી લેતી એકંદર વેપાર પ્રવૃત્તિમાં પ્રારંભિક અંદાજમાં વધારો ધીમી ગતિએ જોવા મળી રહ્યો છે. ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં ગતિશીલતા જોવા મળી રહી છે પરંતુ સેવા ક્ષેત્રમાં કામકાજમાં ધીમો વધારો થઈ રહ્યો છે.
જેને પરિણામે એસએન્ડપી ગ્લોબલ દ્વારા એકત્રિત કરાયેલો એચએસબીસી ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો પ્રારંભિક સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ૫૮.૬૦ જોવા મળ્યો છે, જે ફેબુ્રઆરીમાં ૫૮.૮૦ હતો. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ ગણવામાં આવે છે.
ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ૫૭.૬૦ રહ્યો છે જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૭.૭૦ આવ્યો છે. ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ફેબુ્રઆરીના અંતિમ પીએમઆઈ કરતા ઊંચો રહ્યો છે જ્યારે સેવા ક્ષેત્રનો માર્ચનો પ્રારંભિક પીએમઆઈ ફેબુ્રઆરીના આખરી આંક કરતા નીચો રહ્યો છે.
માર્ચમાં સતત ૪૪માં મહિને પ્રારંભિક સંયુકત પીએમઆઈ ૫૦થી ઉપર જળવાઈ રહ્યો છે.
દેશની ખાનગી ક્ષેત્રની વેપાર પ્રવૃત્તિ વર્તમાન નાણાં વર્ષમાં પ્રોત્સાહક રહી હોવાનું પીએમઆઈ પરથી કહી શકાય એમ છે. કાચા માલના ખર્ચમાં વધારો થયો છે પરંતુ માલસામાન તથા સેવા પેટેના દરમાં વધારો ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૪-૨૫માં નવા વેપાર મેળવવાની સ્થિતિ પણ મજબૂત રહી છે.
ફેબુ્રઆરીની સરખામણીએ માર્ચમાં પ્રારંભિક સંયુકત પીએમઆઈ ભલે નબળો પડયો હોય પરંતુ લાંબા ગાળાની સરેરાશ કરતા તે ઘણો ઊંચો હોવાનું પણ સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.
નવા ઓર્ડર, રોજગાર, ડિલિવરીની સ્થિતિ તથા ઈન્વેન્ટરી સહિત કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લઈ પીએમઆઈ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. કામકાજની સ્થિતિમાં પણ સુધારો થયાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.