ઈસરોનું 101મું મિશન ફેઈલ
ઈઓએસ-9 એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન, ઘૂસણખોરી, શંકાસ્પદ પ્રવૃત્તિઓ શોધવા ડિઝાઈન કરાયો હતો
(પીટીઆઈ) શ્રીહરિકોટા: ઈસરો શનિવારે ૧૦૧મા મિશનના ભાગરૂપે ઈઓએસ-૯ સેટેલાઈટ લોન્ચ કરવાની હતી, પરંતુ અંતિમ તબક્કામાં આ મિશન નિષ્ફળ થઈ ગયું છે. ઈસરોએ પ્રાથમિક સ્તરે પીએસએલવીમાં ટેકનિકલ ખામીના કારણે લોન્ચિંગ નિષ્ફળ ગયું હોવાનું જણાવ્યું હતું. જોકે, આ સમસ્યા કેમ ઊભી થઈ તે જાણવા માટે વ્યાપક સ્તર પર સઘનપૂર્વક તપાસ કરવામાં આવશે તેમ ઈસરોએ કહ્યું હતું.
આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં પીએસએલવી-સી૬૧ના લોન્ચિંગ પ્રસંગે ઈસરોના પ્રમુખ વી નારાયણને કહ્યું કે, ત્રીજા તબક્કાના સંચાલન સમયે ટેકનિકલ ખામી જોવા મળી હતી, જેના કારણે મિશન અધુરું રહ્યું હતું. ઈસરોનું આ ૧૦૧મું મિશન હતું. સેટેલાઈટ લોન્ચનો પહેલો અને બીજો તબક્કો સામાન્ય રહ્યો, પરંતુ ત્રીજો તબક્કો પૂરો થઈ શક્યો નહીં, જેના કારણે સેટેલાઈટને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરી શકાયો નહીં. અમે હવે ડેટા વિશ્લેષણ કરીશું અને પછી મિશન પર પાછા ફરીશું.આ મિશન હેઠળ ઈઓએ-૦૯ (અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-૦૯)ને પૃથ્વીની સૂર્ય સમકાલિક કક્ષામાં સ્થાપિત કરવાનો હતો. આ સેટેલાઈટનો આશય રિમોટ સેન્સિંગ ડેટા પૂરો પાડવાનો હતો. તેનાથી દેશની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓ મજબૂત થવાની હતી. ઈઓએસ-૦૯ને વિશેષરૂપે એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન, ઘૂસણખોરી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓની ભાળ મેળવવા માટે ડિઝાઈન કરાયો હતો.