મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં દેશની નિકાસ યાદીમાં સ્માર્ટફોન ટોચના સ્થાને રહ્યા હતા. વિતેલા નાણાં વર્ષમાં પેટ્રોલિયમ પ્રોડકટસ તથા હીરાની નિકાસને સ્માર્ટફોન્સની નિકાસે પાછળ મૂકી દીધી હતી એમ સરકારી આંકડા જણાવે છે.
ભારતના સ્માર્ટફોનની વિશ્વ બજારમાં વધી રહેલી માગ અને સરકાર દ્વારા પૂરા પડાઈ રહેલા પ્રોત્સાહનોને પરિણામે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતની સ્માર્ટફોનની નિકાસ વાર્ષિક ધોરણે ૫૫ ટકા વધી ૨૪.૧૪ અબજ ડોલર રહી હતી જે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૫.૫૭ અબજ ડોલર જોવા મળી હતી.
અમેરિકા તથા જાપાન ભારતના સ્માર્ટફોનના ટોચના નિકાસ મથકો રહ્યા હતા. છેલ્લા ત્રણ નાણાં વર્ષમાં અમેરિકા ખાતે ભારતના સ્માર્ટફોનની નિકાસ પાંચ ગણી વધી નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૦.૬૦ અબજ ડોલર રહી હતી. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં આ આંક ૨.૧૬ અબજ ડોલર અને નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૫.૫૭ અબજ ડોલર રહ્યો હોવાનું સરકારી ડેટા જણાવે છે.
આજ ગાળામાં જાપાન ખાતે સ્માર્ટફોનની નિકાસમાં ચાર ગણો વધારો થયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમને કારણે દેશમાં ઉત્પાદિત થતા સ્માર્ટફોન વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક ભાવે વેચી શકાય છે.