મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વબજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વબજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી આવ્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. મુડીઝે અમેરિકાનું રેટીંગ ડાઉનગ્રેડ કરતાં વિશ્વબજારમાં ડોલરનો વૈસ્વિક ઈન્ડેક્સ ઘટયો હતો અને તેના પગલે વિશ્વબજારમાં આજે સોનામાં ફંડોની લેવાલી વધ્યાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૯૬૫૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૯૬૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ વધી રૂ.૯૬૫૦૦ બોલાતા થયા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૨૦૩થી ૩૨૦૪ વાળા ઉંચામાં ભાવ ૩૨૪૯થી ૩૨૫૦ થઈ ૩૨૩૭થી ૩૨૩૮ ડોલર રહ્યા હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૩૨.૨૯થી ૩૨.૩૦ વાળા વધી ૩૨.૬૨ થઈ ૩૨.૩૬થી ૩૨.૩૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૦૦૨ તથા નીચામાં ૯૮૯ થઈ ૯૯૦થી ૯૯૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૭૨ તથા નીચામાં ભાવ ૯૫૭ થઈ ૯૬૦થી ૯૬૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૩ ટકા ઉંચકાયા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૨૮૦૦ વાળા રૂ.૯૩૪૦૯ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૩૨૦૦ વાળા રૂ.૯૩૭૭૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૪૯૫૦ વાળા રૂ.૯૫૨૫૦ થઈ રૂ.૯૪૭૫૫ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૫.૪૧ વાળા ઉંચામાં ૬૫.૬૦ થઈ નીચામાં ભાવ ૬૪.૪૩ થઈ ૬૫.૧૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૨.૪૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, ઈન્ડોનેશિયા ખાતે સોનાની ખાણમાં ભેખડ- જમીન ધસી પડતાં છ મજૂરો મરણ પામ્યાના તથા ૧૪ મજૂરો ગાયબ થયાના સમાચાર મળ્યા હતા.