Manipur News : મણીપુરમાં પોલીસ અને સેના દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં આજે 29 ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 28 શસ્ત્રો, મોટા પ્રમાણમાં દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં સૈન્ય, આસામ રાઇફલ્સ, સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF) – CRPF, BSF, ITBP – અને મણિપુર પોલીસે સંયુક્ત કાર્યવાહીની શ્રેણીમાં 28 શસ્ત્રો જપ્ત કર્યા છે, જેમાં અત્યાધુનિક શસ્ત્રો, અનેક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ્સ ડિવાઈસ (IED), કેટલાક ગ્રેનેડ, દારૂગોળોનો મોટો જથ્થો મળી આવ્યો છે.
પોલીસ-સેનાના ઓપરેશન હેઠળ સાત જિલ્લામાંથી હથિયારો મળી આવ્યા
મણિપુરના સાત જિલ્લાઓ ચુરાચંદપુર, થૌબુલ, બિશ્નુપુર, સેનાપતિ, કાકચિંગ, ઈમ્ફાલ પૂર્વ અને ઈમ્ફાલ પશ્ચિમના ખીણ પ્રદેશો અને પહાડી વિસ્તારોમાંથી આ હથિયારો મળી આવ્યા હતાં. પ્રવક્તાએ કહ્યું કે, ‘ગુપ્ત માહિતી મળ્યા બાદ ઓપરેશન હાથ ધરી પહાડી અને ખીણ વિસ્તારમાંથી કાંગલીપાક કોમ્યુનિસ્ટ પાર્ટી સહિત વિવિધ ઉગ્રવાદી સંગઠનોના 29 કટ્ટર કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો : VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા
મશીન ગન સહિતના હથિયારો જપ્ત
જપ્ત કરાયેલા હથિયારો અને દારુગોળાઓમાં સેલ્ફ-લોડિંગ રાઈફલ, સિંગલ-બેરલ રાઈફલ, ઈમ્પ્રોવાઈજ્ડ મોર્ટાર, ચાર બોલ્ડ-એક્શન સિંગલ બેરલ રાઈફલ, મોડિફાઈડ કાર્બાઈન મશીન ગન, એમએમસી કાર્બાઈન મશીન ગન, પોઈન્ટ 22 રાઈફલ અને પિસ્તોલ સામેલ છે. ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓ અને હથિયારો સહિતનો સામાન મણિપુર પોલીસને સોંપી દેવાયો છે.
ઈમ્ફાલમાંથી એક મહિલા સહિત પાંચ ઉગ્રવાદીની ધરપકડ
બીજીતરફ મણિપુર પોલીસે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મોટું અભિયાન હાથ ધરાયું છે. આ દરમિયાન વિવિધ સંગઠનોની એક મહિલા કાર્યકર્તા સહિત પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો : ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, સૌથી વધુ કેરળમાં કેસ, મુંબઈમાં બેના મોત