– અથડામણમાં રાજ્ય પોલીસનો એક જવાન શહીદ, અન્ય કેટલાક જવાનોને ઇજા
– છત્તીસગઢમાં નકસલવાદીઓનો સફાયો કરનાર સુરક્ષા દળો પર મને ગર્વ છે : વડાપ્રધાન મોદી
– મૃત્યુ પામેલા સીપીઆઇ-માઓવાદના જનરલ સેક્રેટરી બસવારાજુના માથે રૂ. 1.5 કરોડનું ઇનામ હતું
નારાયણપુર : છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં ૨૭ નકસલવાદીઓનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક નકસલવાદીઓમાં તેમના ટોચના નેતાઓ પૈકીનો એક બસવારાજુ પણ સામેલ છે. તેના માથે ૧.૫ કરોડ રૂપિયાનું ઇનામ હતું.
પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોની કાર્યવાહીમાં રાજ્ય પોલીસના એકમ ડિસ્ટ્રિકિટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)નો એક જવાન શહીદ થયો છે અને અન્ય કેટલાક જવાનોને ઇજા થઇ છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ વધુ વિગતો આપ્યા સિવાય જણાવ્યું હતું કે નકસલવાદીઓના ટોચના નેતાને ઠાર મારીને સુરક્ષા દળોએ અથડામણમાં ઐતિહાસિક સફળતા મેળવી છે.
સૂત્રોએ દાવો કર્યો છે કે મૃત્યુ પામેલા માઓવાદીઓમાં પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓવાદ)ના જનરલ સેક્રેટરી નાંબલા કેશવ રાવ ઉર્ફે બસવારાજુ પણ સામેલ છે. જો કે પોલીસે સત્તાવાર રીતે બસવારાજુનું મોત થયાના અહેવાલને સમર્થન આપ્યું નથી.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર નારાયણપુર-બિજાપુર-દાંતેવાડા જિલ્લાઓના ટ્રાય જંકશન પર આવેલા અભુજમદના ગાઢ જંગલોમાં સુરક્ષાદળો અને નકસલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૨૭ નકસલવાદીઓના મૃતદેહો અને મોટા પ્રમાણમાં શસ્ત્રો મળી આવ્યા છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે છત્તીસગઢમાં ૨૭ નકસલવાદીઓને મોતને ઘાટ ઉતારનારા સુરક્ષા દળો પર મને ગર્વ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું છે કે ઠાર મારવામાં આવેલા ૨૭ માઓવાદીઓમાં સીપીઆઇ-માઓવાદના જનરલ સેક્રેટરી બસવારાજુ પણ સામેલ છે. શાહે જણાવ્યું હતું કે છેલ્લા ૩૦ વર્ષોમાં પ્રથમ વખત જનરલ સેક્રેટરી રેન્કના નકસલી નેતાને ઠાર મારવામાં આવ્યો છે.