મુંબઈ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી શેર બજારમાં થતાં કૌભાંડોનો ઉપદ્વવ ઝડપી વધી રહ્યા વિશે રોકાણકારોને સાવચેત રહેવા મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ તાકીદ કરી છે.
દેશમાં સોશિયલ મીડિયા સંદેશાવ્યવહાર અને માહિતીની આપલે કરવા માટે લોકપ્રિયતા મેળવી રહ્યું છે, તેમ તેમ આ માધ્યમ થકી છેતરપિંડી કરનારા, લેભાગુઓ તેનો ઉપયોગ રોકાણકારોને છેતરવા માટે કરી રહ્યા છે. સેબીએ વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતાં કૌભાંડોની જાળમાં ફસાઈ ન જવાય એ માટે રોકાણકારોને ચેતવ્યા છે.
સેબીનું કહેવું છે કે, તેમણે નોંધ્યું છે કે, કૌભાંડીઓ ઘણીવાર બજારના નિષ્ણાો, રજીસ્ટર્ડ ઈન્ટરમીડિયરીઝ, સેલિબ્રિટી અથવા જાણીતી સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ હોવાનો ડોળ કરે છે. બનાવટી પ્રોફાઈલ બનાવીને અને ઊંચા વળતરના ખોટા વચનો આપીને, આવા લોકો રોકાણકારોને તેમની જાળમાં ફસાવે છે.
એક સામાન્ય યુક્તિ એ છે કે, વીઆઈપી ગુ્રપ અથવા ફ્રી ટ્રેડિંગ કોર્સ જેવા નામોવાળા વોટ્સએપ ગુ્રપમાં જોડાવા માટે રેન્ડમ આમંત્રણો મોકલવા. આ ગુ્રપમાં વિશ્વાસ લાવવા અને કાયદેસર દેખાડવા માટે કથિત મેમ્બરો પાસેથી સંકલિત સંદેશાઓ અને નકલી પ્રશંસાપત્રો સાથે સ્કેમર્સ પોસ્ટ મૂકવામાં આવે છે.
એક વખત આ ગુ્રપના સભ્યોમાં પૂરો વિશ્વાસ કેળવી લીધા બાદ છેતરપિંડી કરનારાઓ તેમને ખાનગી બેંક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહે છે અને દાવો કરે છે કે, તેઓ ઊંચું વળતર મેળવશે. આ દાવા સંપૂર્ણપણે ખોટા છે અને પીડિતો ઘણીવાર તેમના રૂપિયા ગુમાવે છે એમ નિયમનકાર સેબીનું કહેવું છે.
પ્રતિસાદમાં સેબીએ રોકાણકારોને સાવચેત રહેવા અને અજાણ્યા સ્ત્રોતોમાંથી આવતા સંદેશાઓ અથવા ઈન્વાઈટ-આમંત્રણો પર વિશ્વાસ કરવાનું ટાળવા તાકીદ કરી છે. રોકાણકારોએ ફક્ત સેબી રજીસ્ટર્ડ ઈન્ટરમીડિયરી સાથે જ વ્યવહાર કરવો જોઈએ અને તમામ વ્યવહારો માટે સત્તાવાર ટ્રેડિંગ એપ્લિકેશનોનો ઉપયોગ કરવો જોઈએ એમ જણાવ્યું છે.
કોઈપણ રોકાણ કરતાં પહેલા સેબીએ રોકાણકારોને તેની સત્તાવાર વેબસાઈટ પર ઈન્ટરમીડિયરીઝના રજીસ્ટ્રેશનની સ્થિતિ તપાસવા પણ કહ્યું છે.