Dry Fruit Price Hike: પહલગામના આતંકવાદી હુમલા બાદ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના માર્ગે ભારત આવતા જરદાળુ, બદામ, કાળી અને લીલી કિસમિસ, પિસ્તા, અખરોટના ભાવમાં 15 ટકાનો વધારો થઈ ગયો છે. અમદાવાદના ડ્રાય ફ્રૂટના અગ્રણી વેપારી સુભાષ અગ્રવાલનું કહેવું છે કે, મામરો બદામના કિલોદીઠ ભાવમાં 400 થી 600 રૂપિયા, અંજીરના ભાવમાં 150 રૂપિયા, જરદાળુના ભાવમાં 50 રૂપિયા, કિસમિસના ભાવમાં 40 રૂપિયા, કાજુના કિલોદીઠ ભાવમાં 150 રૂપિયા, પિસ્તાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો છે. આ જ રીતે અખરોટના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. આ વધારાની અસર અમદાવાદ, ગુજરાત સહિત આખા દેશમાં જોવા મળી શકે છે.
તમામ ડ્રાય ફ્રૂટ્સ થયા મોંઘા
અફઘાનિસ્તાનથી આવતા ડ્રાય ફ્રૂટ પાકિસ્તાન થઈને ભારત આવે છે. પહલગામ પછી પાકિસ્તાન સામે ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંને પરિણામ ડ્રાય ફ્રૂટનો સપ્લાય જ ખોરવાઈ જવાની સંભાવના રહેલી છે. ભારતમાં ડ્રાય ફ્રૂટની સૌથી વધુ નિકાસ અફઘાનિસ્તાન કરે છે. અફઘાનિસ્તાનથી ભારતમાં દર વર્ષ અંદાજે 20,000 ટન ડ્રાય ફ્રૂટની આયાત થાય છે. જરદાળુ, બદામ, લીલી અને કાળી કિસમિસ, પિસ્તા, અખરોટનો સપ્લાય અટકી જવાની સંભાવના છે. ભારતમાં ડ્રાય ફ્રૂટનો વપરાશ છેલ્લાં થોડા વર્ષોથી વધી રહ્યો છે. તેથી સપ્લાયની ખેંચ વધતા ભાવ વધારો ઊંચો આવી શકે છે.
આ પણ વાંચોઃ ‘પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, ભારતીય સેના ગમે ત્યારે કરી શકે છે હુમલો’, પાક.ના સંરક્ષણ મંત્રીનું નિવેદન
બજારના સૂત્રોનું કહેવું છે કે, ભારતમાં ડ્રાય ફ્રૂટનો ભાવ બહુ વધી ન જાય તે માટે તેની આયાત કરવા માટેના વિકલ્પની આપણે તપાસ કરવી પડશે. જોકે, ભારત અમેરિકાથી પણ ડ્રાય ફ્રૂટની આયાત કરે છે. અમેરિકાથી આયાત કરવામાં આવતા ડ્રાય ફ્રૂટ દુબઈ થઈને ભારતના બજારમાં આવે છે. અટારી બોર્ડરથી પણ ખાસ્સા ડ્રાય ફ્રુટ ભારતના બજારમાં ઠલવાઈ રહ્યા છે. એવામાં હવે તો અટારી બોર્ડર પણ હવે તો બંધ કરી દેવામાં આવી છે. અત્યારે પણ પાકિસ્તાન તરફની અટારી બોર્ડર પર ડ્રાય ફ્રૂટની 300 ટ્રક ભારતમાં પ્રવેશ મળે તેની રાહ જોઈને ઊભી છે.
લગ્ન સિઝનના કારણે વધી ડિમાન્ડ
મે મહિનામાં લગ્નસીઝન વધુ મોટી થતાં ડિમાન્ડ વધશે. એટલે આ ડિમાન્ડને પહોંચી વળે તેટલો સ્ટોક ભારતના વેપારીઓ પાસે અત્યારે હાજર છે. જુલાઈ માસ પછી ભારતીય બજારમાં ડ્રાય ફ્રૂટની અસલી અછત જોવા મળી શકે છે. ત્યારબાદ નવરાત્રિ અને દિવાળીની સીઝન બેસી જવાની હોવાથી ભાવ વધારો જોવા મળી શકે છે. આ ગાળા પહેલા પણ માલની અછત હોવાની બૂમરાણ મચાવીને વેપારીઓ ભાવ ઊંચકીને નફો વધારી દે તેવી સંભાવના પણ રહેલી છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાને ત્રણ હજાર બોમ્બ વરસાવ્યા છતાં આ મંદિરમાં નહોતું થયું કોઈ નુકસાન, BSFના જવાનો કરે છે પૂજા-અર્ચના
એવામાં કાબૂલથી વિમાન માર્ગે ડ્રાય ફ્રૂટનો સપ્લાય આવી શકે છે. પરંતુ કાબૂલથી કાર્ગો ફ્લાઈટ ભારત તરફ બહુ જ મર્યાદિત સંખ્યામાં આવે છે. તેથી ડ્રાય ફ્રૂટ વધુ સમય ટ્રાન્ઝિટમાં રહે તો સડી જવાનું જોખમ પણ રહેલું છે. કિસમિસ અને અંજીર સડી જવાનું જોખમ સૌથી વધારે છે. હવે અફઘાનિસ્તાનના ડ્રાય ફ્રૂટ ઇરાનના ચાબહાર બંદરે થઈને ભારત સુધી આવી શકે તેવો એક વિકલ્પ ખુલ્લો છે. અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈને ભૂમિ માર્ગે ડ્રાય ફ્રૂટ આવે છે તેમાં ચારેક દિવસ લાગે છે, પરંતુ ઈરાન થઈને ભારત સુધી તે મોકલવામાં આવે તો એક મહિના જેટલો સમય લાગી જાય છે.
આ ગાળામાં તેને ફ્રીજમાં રાખવાની સુવિધા ન હોય તો માલ ખાસ્સો બગડી જવાની સંભાવના રહેલી છે. અત્યારે અફઘાનિસ્તાનથી ભારતમાં ડ્રાય ફ્રૂટની ડ્યૂટી ફ્રી આયાત કરે છે. સાર્ક નામની સંસ્થાના સભ્ય દેશો વચ્ચેના વેપારના નિયમો હેઠળ તેની ડ્યૂટી ફ્રી આયાત થઈ શકે છે. પરંતુ આ જ માલ ઇરાનની સીમાએથી ભારતમાં મોકલવામાં આવશે તો તેને પરિણામે ડ્યૂટી મુક્ત આયાત થશે કે ડ્યૂટી ભરવી પડશે તે અત્યારે સ્પષ્ટ નથી.
ડ્રાય ફ્રૂટના વર્તમાન બજાર ભાવ