IPL 2025 GT vs LSG: ક્રિકેટના મેદાન પર સ્લેજિંગ અર્થાત વિરોધી ખેલાડીને ચીડાવવા, ઉશ્કેરવા, ડરાવવાના કિસ્સા નવા નથી. પરંતુ ઘણી વખત અમુક હદથી વધુ સ્લેજિંગ આજીવન કિસ્સો બની જતો હોય છે. ગઈકાલની આઇપીએલ 2025 મેચમાં પણ આવું જ કંઈક બન્યું. ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં GTના મોહમ્મદ સિરાજને સ્લેજિંગ ભારે પડ્યું છે. સામે નિકોલસ પૂરને સ્લેજિંગનો એવો જવાબ આપ્યો કે, સિરાજ આજીવન તેને યાદ રાખશે.
શું હતી ઘટના
ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 16મી ઓવરમાં LSGના નિકોલસ પૂરન અને મિચેલ માર્શ બેટિંગ કરી રહ્યા હતા. મોહમ્મદ સિરાજના ત્રીજા બોલમાં પૂરને ચોગ્ગો ફટકાર્યો હતો. બાદમાં બાઉન્સર બોલ ફેંક્યો હતો. જેને એમ્પાયરે વાઇડ બોલ જાહેર કર્યો. આ બોલ ફેંક્યા બાદ સિરાજ પૂરનને ગુસ્સાથી જોઈ રહ્યો હતો અને તેની પાસે જઈ ઉશ્કેરણીજનક શબ્દો કહ્યા. પરંતુ પૂરને તેને નજરઅંદાજ કર્યો હતો. બંને વચ્ચે બોલાચાલી ન થાય તે માટે એમ્પાયરે દખલગીરી કરી હતી.
પૂરને બેટથી આપ્યો જવાબ
ત્યારબાદ સિરાજનો વધુ એક બોલ બાઉન્સર રહ્યો હતો. ત્યારબાદના બોલ પર પૂરને સિક્સ ફટકારી સિરાજને જવાબ આપ્યો હતો. સિરાજની સ્લેજિંગનો જવાબ પૂરને સિક્સ ફટકારી આપ્યો હતો. સિરાજે અંતિમ બોલ યૉર્કર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પૂરને ચોગ્ગો ફટકારી સિરાજની એક ઓવરમાં 20 રન લીધા હતા.
આ પણ વાંચોઃ એક વર્ષ બાદ આ સ્ટાર ખેલાડીની ભારતની ટેસ્ટ ટીમમાં થશે વાપસી! ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15 સદીનો રેકોર્ડ
મિશેલ માર્શ પ્લેયર ઑફ ધ મેચ રહ્યો
ગઈકાલની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની જીત થઈ હતી. LSGનો ખેલાડી મિશેલ માર્શ 64 બોલમાં 117 રન સાથે પ્લેયર ઑફ ધ મેચ રહ્યો હતો. નિકોલસ પૂરને પણ 27 બોલમાં 56 રન ફટકારી ગુજરાત ટાઇટન્સને 235 રનનો સ્કોર ટાર્ગેટ આપ્યો હતો.