Supreme Court Grants Interim Bail to Influencer: સુપ્રીમ કોર્ટે બુધવારે 40 વર્ષીય મહિલા પર દુષ્કર્મના આરોપી 23 વર્ષીય ઈન્ફ્લૂએન્સરને વચગાળાના જામીન આપતાં નોંધ્યું કે નવ મહિનાથી જેલમાં હોવા છતાં તેની સામે દિલ્હી પોલીસ દ્વારા આરોપો નક્કી કરવામાં નથી આવ્યા અને કહ્યું કે પીડિતા બાળક નથી અને એક હાથે તાળી ન વાગે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસની ઝાટકણી કરી
ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે પૂછ્યું કે, ‘દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર યુવક સામે દુષ્કર્મનો કેસ કેવી રીતે નોંધી શકે છે, જ્યારે મહિલા સ્વેચ્છાએ તેની સાથે ગઈ હતી. એક હાથે તાળી ન વાગે…દિલ્હી પોલીસે કયા આધારે IPC ની કલમ 376 હેઠળ કેસ નોંધ્યો છે? તે બાળક નથી 40 વર્ષની મહિલા છે. બંને એકસાથે જમ્મુ ગયા હતા. તમે કલમ 376 કેમ લગાવી છે? આ મહિલા સાત વખત જમ્મુ જાય છે અને પતિને કોઈ વાંધો નથી?’
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ વચગાળાના જામીન આપવા યોગ્ય છે કારણ કે આરોપી 9 મહિનાથી જેલમાં છે અને તેની સામે આરોપ નક્કી કરવામાં આવ્યો નથી. આથી આરોપીને ગૌણ અદાલતમાં રજૂ કરવામાં આવે અને શરતો અને નિયમોને આધીન રહીને વચગાળાના જામીન આપવામાં આવે. તેમજ યુવક પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરશે નહીં અને મહિલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે નહીં.’
શું છે આખો મામલો?
પોલીસ ફરિયાદ મુજબ, મહિલા 2021 માં સોશિયલ મીડિયા દ્વારા યુવકના સંપર્કમાં આવી હતી જ્યારે તે પોતાની કપડાની બ્રાન્ડનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર શોધી રહી હતી.
પ્રારંભિક વાતચીત દરમિયાન, યુવકે પ્રમોશનને પ્રભાવશાળી બનાવવા માટે આઈફોન માંગ્યો હતો, જે તેણે જમ્મુમાં એક એપલ સ્ટોરથી લઈને આપવામાં આવ્યો હતો. જોકે, આરોપીએ આઈફોન વેચવાનો પ્રયાસ કર્યા પછી તેમના વ્યાવસાયિક સંબંધોમાં ખટાશ આવી ગઈ. અધિકૃત વિક્રેતાએ 20,000 રૂપિયા કાપીને મહિલાના ખાતામાં પૈસા પરત કર્યા. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપીએ પૈસા પરત કરવાનું વચન આપ્યું હોવા છતાં, થોડા સમય પછી મહિલાએ તેની સાથેના બધા સંબંધોનો અંત લાવવાનો નિર્ણય કર્યો.
20,000 રૂપિયા પરત કરવા યુવક ડિસેમ્બર 2021 માં નોઈડામાં મહિલાના ઘરે ગયો હતો. ત્યારબાદ યુવકે મહિલાને પ્રમોશનલ શૂટ માટે કનોટ પ્લેસમાં તેની સાથે મુસાફરી કરવા માટે સમજાવી. મુસાફરી દરમિયાન, આરોપીએ મહિલાને બેભાન કરવાની દવાઓથી ભરેલી મીઠાઈ ખવડાવી અને તે બેભાન થઈ ગઈ.
આરોપીએ મહિલાને હિન્દુ રાવ હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું પરંતુ તે મહિલાને હોસ્પિટલની પાછળ એકાંત વિસ્તારમાં લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું, તેમજ તેના પર્સમાંથી પૈસા ચોરી લીધા અને તેના અશ્લીલ ફોટા પાડ્યા.
આ પણ વાંચો: આરોપો અંદાજ આધારિત ગણાવી લોકપાલની પૂર્વ SEBI પ્રમુખ માધબી પુરી બુચને ક્લિનચીટ
ઈન્ફ્લૂએન્સર મને બ્લેકમેલ કરીને જમ્મુ લઈ ગયો હતો: મહિલા
ફરિયાદ મુજબ, મહિલાને કથિત રીતે જમ્મુ જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જ્યાં તેનું વારંવાર જાતીય શોષણ કરવામાં આવ્યું, ખંડણી લેવામાં આવી અને અઢી વર્ષના સમયગાળા દરમિયાન ધમકી આપવામાં આવી. આ કેસમાં, ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 354 (મહિલા પર હુમલો), 323 (ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવી), 506 (ગુનાહિત ધાકધમકી), 509 (મહિલાની ગરિમા પર હુમલો કરવો) અને 34 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.