Supreme Court Rape Case : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.વી.નાગરત્ન અને ન્યાયાધીશ એસ.સી.શર્માએ દુષ્કર્મના કેસમાં મહત્ત્વની ચુકાદો આપ્યો છે. પરિણીત મહિલાએ યુવક પર કરેલા દુષ્કર્મના કેસનો ફગાવી દીધો છે. કોર્ટે કહ્યું છે કે, બંનેની સંમતીથી સંબંધો બંધાયા હતા. મહત્ત્વની વાત એ છે કે, દુષ્કર્મનો આક્ષેપ કરનારી મહિલા પહેલેથી જ પરિણીત હતી, તેથી કોર્ટે આશ્ચર્યવ્યક્ત કર્યું છે.
મહિલા પરિણીત છતાં યુવક સાથે સંબંધો બાંધ્યા
આ કેસની વિગતો એવી છે કે, દુષ્કર્મની ફરિયાદ કરનારી મહિલાના જ્યારે યુવક સાથે સંબંધો બંધાયા ત્યારે તેણી પહેલેથી જ પરિણીત હતી, પરંતુ પતિથી અલગ રહેતી હતી અને તેના છુટાછેડા થયા નથી, ત્યારે કોર્ટે આ બાબતને ધ્યાને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. કોર્ટે કહ્યું કે, ‘બંને વચ્ચે બંધાયેલા સંબંધોને લગ્નનું ખોટું વચન ન માની શકાય. જ્યાં સુધી આરોપી શરૂઆતથી જ ગુનાહિત ઈરાદો ધરાવતો ન હોય, ત્યાં સુધી માત્ર લગ્નનું વચન તોડવું ખોટું વચન આપીને દુષ્કર્મ કર્યું હોવાનું ન મનાય.’
‘આઈપીસીની કલમ 376 હેઠળ કેસ ચલાવવો મૂર્ખતાપૂર્ણ’
કોર્ટે કહ્યું કે, ‘અમારા વિચાર મુજબ, યુવકે શરૂઆતથી જ મહિલાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોય, તેવો મામલો નથી. સંબંધોમાં વાંધો પડવો અથવા બંને એકબીજાથી દૂર થઈ જવા તે રાજ્યની ગુનાહિત મશીનરીના ઉપયોગનો આધાર ન હોઈ શકે. આવુ કરવાથી કોર્ટ પર બોજો પડે છે તેમજ આવા ગુનાના આરોપી વ્યક્તિની ઓળખ પર ખરડાય છે.’
આ સાથે કોર્ટે એમ પણ કહ્યું છે કે, ‘કોર્ટે અગાઉ પણ જોગવાઈઓના ઉપયોગ અંગે ચેતવણી આપી હતી. લગ્નના તમામ વચનોના ઉલ્લંઘનને ખોટું વચન કહી કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 376 હેઠળ કેસ ચલાવવો મૂર્ખતાપૂર્ણ કહેવાશે.
આ પણ વાંચો : ‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા
યુવકે અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી
વાસ્તવમાં આરોપી અરજદારે બોમ્બે હાઈકોર્ટમાં કરેલી અરજી રદ થઈ હતી, પછી તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. ગુનો થયો તે વખતે અરજદારની ઉંમર 23 વર્ષની હતી. એક મહિલાએ અરજદાર યુવક પર આક્ષેપ કર્યો હતો કે, તેણે લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધો બાંગ્યા હતા. આ કેસમાં સુપ્રીમ કોર્ટે તપાસ કરી હતી કે, યુવક પરના આક્ષેપો ગુનો છે કે નહીં, અથવા ખોટી ભાવનાથી કેસ દાખલ કરવામાં આવ્યો છે. રેકોર્ડની માહિતી પરથી ન્યાયાધીશ શર્માએ નિર્ણયમાં સંભળાવ્યું કે, ફરિયાદ મહિલાએ યુવક સાથે સંબંધોની શરૂઆત કરી, ત્યારે તેણી પરિણીત હતી. આવી સ્થિતિમાં અપીલકર્તાએ લગ્નના આપેલા વચનને કાયદાકીય લાગુ કરી ન શકાય. કારણ કે, જ્યારે તેણીએ યુવક સાથે સંબંધો બાંધ્યા, ત્યારે તેણી પરિણીત હતી.
કોર્ટે યુવક વિરુદ્ધનો કેસ રદ કર્યો
કોર્ટે કહ્યું કે ‘એવું માની શકાય નહીં કે ફરિયાદી, બીજા કોઈ સાથે પરિણીત હોવાથી, લગ્નના વચનના આધારે અપીલકર્તા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. મહિલા અને અપીલકર્તા વચ્ચેનો સંબંધ 12 મહિનાથી વધુ સમય સુધી ચાલ્યો અને બંને બે અલગ અલગ સ્થળે સાથે લોજ ગયા હતા. મહિલાને ચાર વર્ષનો પુત્ર પણ છે. કોર્ટે ભજનલાલના કેસમાં નિર્ધારિત સિદ્ધાંતો પર આધાર રાખ્યો છે અને FIR રદ કરી દીધી છે.