– છકડામાં બેસી ગામ જવા જતાં આધેડને મોત મળ્યું
– અકસ્માતમાં છકડાચાલક સહિત 3 ને ઈજા પહોંચી : વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ
ભાવનગર : ધંધુકાના આકરૂ ગામ નજીક છકડો અને ઘઉં કાઢવાનું કટર (હાર્ડવેસ્ટર ) અથડાતા ગામના જ આધેડનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.
બનાવની વિગત એવી છે કે,ધંધુકાના આકરૂ ગામે રહેતા અને છકડો ચલાવી ગુજરાન ચલાવતા ઘનશ્યામભાઈ માવુભાઈ ભખોડિયા પોતાનો છકડા નંબર જીજે.૦૧.વી. ૪૨૯૨ લઈને ગામમાંથી લાકડાની સેટી ભરીને ધંધુકા ખાતે ઉતરી આકરૂં ગામના ઉમેશભાઈ ઈશ્વરભાઈ મકવાણા તથા પિન્ટુભાઈ વિનોદભાઈ ચાવડાને બેસાડી ગામ તરફ પરત આવતા હતા.દરમિયાનમાં ભલગામડા ગામની કેનાલ નજીકથી સેલાભાઈ મખાભાઈ સરૈયા આકરૂ ગામ જવા માટે છકડામાં સવાર થયા હતા.તેવામાં આકરૂ ગામ નજીક ઘઉં કાઢવાનું કટર (હાર્ડવેસ્ટર)નો આગળનો ભાગ છકડા સાથે અથડાતા છકડો પલટી ખાઈ ગયો હતો.અને છકડામાં સવાર લોકો ફંગોળાઈને રોડની સાઈડમાં પટકાયા હતા.આ અકસ્માતમાં છકડા ચાલક સહિત ચાર લોકોને ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધંધૂકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ઉમેશભાઈ ઈશ્વરભાઈ મકવાણાને ચકાસીને ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ સંદર્ભે ઘનશ્યામભાઈએ હાર્ડવેસ્ટર ચાલક વિરૂધ્ધ ધંધુકા પોલીસ મથકમાં અક્સમાત સર્જી એકનું મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.