Rahul Gandhi Wrote Letter to PM Modi: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં રાહુલ ગાંધીએ પાકિસ્તાનના ગોળીબારથી પ્રભાવિત પુંછ અને અન્ય વિસ્તારો માટે રાહત અને પુનર્વસન પેકેજ આપવાની માગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું કે, ‘મેં હાલમાં જ પુંછનો પ્રવાસ કર્યો, જ્યાં પાકિસ્તાનના ગોળીબારમાં ચાર બાળકો સહિત 14 લોકોના દુઃખદ મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
તેમણે લખ્યું કે, આ અચાનક અને અંધાધુંધ હુમલાએ સામાન્ય લોકોમાં તબાહી મચાવી છે. મોટી સંખ્યામાં ઘર, દુકાનો, શાળા અને ધાર્મિક સ્થળ નષ્ટ થઈ ગયા છે. અનેક પીડિતોએ જણાવ્યું કે, તેમની વર્ષોની મહેનત એક ઝટકામાં બરબાદ થઈ ગઈ.
પુંછ અને બોર્ડરથી જોડાયેલા અન્ય વિસ્તારોના લોકો દાયકાઓથી શાંતિ અને ભાઈચારા સાથે વસવાટ કરી રહ્યા છે. આજે જ્યારે તેઓ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે, તો આપણું કર્તવ્ય છે કે આપણે તેમના દુઃખને સમજે અને તેમના જીવનને ફરીથી સામાન્ય કરવા માટે તમામ સંભવ સહાય ઉપલબ્ધ કરાવે.
હું ભારત સરકારને આગ્રહ કરું છું કે પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત પુંછ અને તમામ વિસ્તારો માટે એક મજબૂત અને ઉદારતાભર્યું રાહત અને પુનર્વસન પેકેજ તૈયાર કરવામાં આવે.’
થોડા દિવસો અગાઉ જ રાહુલ ગાંધી ગયા હતા જમ્મુ કાશ્મીર
જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ હાલમાં જ જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારના પીડિતો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પીડિત પરિવારોના દુઃખને મોટી ત્રાસદી ગણાવી અને વચન આપ્યું કે તેઓ આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવશે.