Sambit Patra: તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા પાકિસ્તાન-ભારત સંઘર્ષ મુદ્દે ભાજપ અને PM મોદી પર કરાયેલા આકરા પ્રહારોનો ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ આપ્યો છે. દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી સંબિત પાત્રાએ ઓપરેશન સિંદૂર મામલે કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવેલા સવાલોનો આકરો જવાબ આપતાં તેમને ‘પુરાવા ગેંગ’ તરીકે સંબોધિત કર્યા છે. તેમજ કોંગ્રેસ ઓપરેશન સિંદૂરથી ખુશ ન હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.
સંબિત પાત્રાએ કહ્યું કે, અમેરિકામાં એક મોટા મિલિટ્રી એક્સપર્ટ છે- જ્હોન સ્પેન્સર. તેમણે પુરાવા અને તથ્યો સાથેનો એક આર્ટિકલ લખ્યો છે. તેમાં સ્પેન્સર લખે છે કે, કેવી રીતે ભારતમાં બનેલી ટેક્નોલોજીના માધ્યમથી ભારતે કેવી રીતે આતંકવાદ પર જીત હાંસલ કરી છે, અને પાકિસ્તાનના ચીન નિર્મિત હથિયારો તોડી પાડ્યા. આ આર્ટિકલ તમામે વાંચવો જોઈએ. અને આ મુદ્દે ગર્વ લેવો જોઈએ. જ્હોન સ્પેન્સર જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં દરેક દેશમાં આજે ભારત માટે સકારાત્મક વિચાર સર્જાયો છે. દેશની સેનાને દરેક સલામી આપી રહ્યા છે, પરંતુ મને દુઃખ થાય છે કે, ખાસ કરીને કોંગ્રેસ જેવા પક્ષોએ શરૂઆતમાં કહ્યું કે, અમે દેશ અને સરકાર સાથે ઊભા છીએ, પરંતુ પહેલાં દિવસથી રાહુલ ગાંધી, જયરામ રમેશ અને હવે રેવંત રેડ્ડી જેવા નેતાઓ ભારતીય સેનાના શોર્ય સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ભારતીય સેનાની બહાદૂરીથી આ પુરાવા ગેંગ ખુશ નથી.
આતંકવાદીઓને સાંસદ સાથે સરખાવ્યા
જયરામ રમેશ અંગે સંબિત પાત્રાએ કહ્યું કે, ‘તમે વિચારી જુઓ, જયરામ રમેશે નિવેદન આપ્યું હતું કે, અહીં આતંકવાદી ફરી રહ્યા છે અને ત્યાં સાંસદ ફરી રહ્યા છે. એક જ શ્વાસમાં તેમણે આતંકવાદીઓને સાંસદો સાથે સરખાવી દીધા. જે સાંસદો પાકિસ્તાન વિરુદ્ધ પક્ષ રજૂ કરવા વિવિધ દેશોમાં ગયા છે, ફરવા નહીં. તેઓ ભારતના પક્ષને મજબૂતીથી વિશ્વ સમક્ષ રજૂ કરવા ગયા છે અને તેમાં તમારા પણ સાંસદો છે, એ યાદ રાખો.’
આ પણ વાંચોઃ રાહુલ ગાંધી PM હોત તો PoK પાછું લઈ લીધું હોત..’ તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો
કોંગ્રેસે આતંકવાદીઓનો સત્કાર કર્યો
આ અંગે વધુ વાત કરતા પાત્રાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘કોંગ્રેસ સરકારમાં આતંકવાદીઓનો સત્કાર થતો હતો. તેમને ભેટ અપાતી હતી, એ દિવસો પણ આપણે યાદ કરવા જોઈએ. 26-11 હુમલા બાદ રાહુલ ગાંધી મોટી-મોટી પાર્ટી કરી રહ્યા હતા. મને દુઃખ થાય છે કે, રાહુલ ગાંધી, રેવંત રેડ્ડી અને જયરામ રમેશ પૂછી રહ્યા છે કે, જણાવો હિન્દુસ્તાનના કેટલા વિમાન તોડી પાડ્યા? આ કોઈ સવાલ છે. તમને ખબર પડતી નથી.’
કોંગ્રેસના નેતાઓએ તો નમતું મૂક્યું હતું
ઓપરેશન સિંદૂર વિશે ફરી એકવાર માહિતી આપતા ભાજપ પ્રવક્તાએ જણાવ્યું કે, ‘ભારતની સેનાએ પાકિસ્તાનના 11 એરબેઝ ધ્વસ્ત કર્યા છે. તમામ એરબેઝ ધ્વસ્ત થયા બાદ એક-એક તસવીર પુરાવા તરીકે રજૂ કરવામાં આવી. પાકિસ્તાનના વડાપ્રધાને પણ સ્વીકાર્યું કે, ભારતની બ્રહ્મોસ્ત્ર મિસાઈલે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાં પર હુમલો કર્યો હતો. નૂર ખાન એરબેઝ નષ્ટ કર્યું હતું. પુરાવા હોવા છતાં રાહુલ ગાંધી રિપોર્ટ કાર્ડ માગી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ તો કહ્યું હતું કે, આપણે યુદ્ધની જરૂર નથી. પાકિસ્તાનની વાત સ્વીકારી લેવી જોઈએ. પાકિસ્તાનને છોડી દેવુ જોઈએ. બીજી બાજુ તેઓ કહે છે કે, અમે ભારત સાથે છીએ, ભારત સરકાર સાથે છીએ.’
પાકિસ્તાનના બબ્બર હિન્દુસ્તાનના ગબ્બર
આ દરમિયાન પાત્રાએ વ્યંગ કરતા કહ્યું કે, ‘જે પાકિસ્તાનના બબ્બર છે, તે હિન્દુસ્તાનના ગબ્બર છે. યાદ રાખો હિન્દુસ્તાનના ગબ્બરો, જે જય-વીરૂએ ગબ્બરની સાથે કર્યું હતું, તેવા જ હાલ તમારા થશે. ભારતની વીરતાના કારણે ગબ્બરનો પરાજય નિશ્ચિત છે. કોંગ્રેસની અંદર જ બે ફાડ છે. એક કોંગ્રેસ પાકિસ્તાનનું સમર્થન કરી રહી છે, જ્યારે કોંગ્રેસના અમુક લોકો દેશ માટે અવાજ ઉઠાવે છે. જો કે, રાહુલ ગાંધીના કારણે બોલી શકતા નથી. તેમણે જે જય હિંદ યાત્રા કાઢી છે, તે જય પાકિસ્તાનની યાત્રા લાગી રહી છે. તેને બંધ કરવી જોઈએ.’