![]()
વડોદરાઃ નવી શિક્ષણ નીતિના કારણે એમ.એસ.યુનિવર્સિટીને નવા શૈક્ષણિક વર્ષમાં ૬૦૦૦ ઉપરાંત વધારાના વિદ્યાર્થીઓને સમાવવા માટે વ્યવસ્થા કરવી પડશે.
વિવિધ ફેકલ્ટીઓમાં ઓનર્સ ડિગ્રી કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ આ વર્ષે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે.ફેકલ્ટીઓના અધ્યાપકો આ વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ કરાવવા માટે દોડધામ કરી રહ્યા છે તો ફેકલ્ટી ડીનો માટે એ પછી માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનો પડકાર ઉભો થશે.
ઓનર્સ ડિગ્રી કોર્સમાં વિદ્યાર્થીઓ પાસે ચોથા વર્ષમાં પ્રવેશ લેવાનો વિકલ્પ છે.અત્યારે ટીવાયમાં અભ્યાસ કરતા ૫૦ ટકા કરતા વધારે વિદ્યાર્થીઓ ચોથા વર્ષમાં પ્રવેશનો વિકલ્પ પસંદ કરી ચૂકયા છે.બાકીના વિદ્યાર્થીઓ બે વર્ષના માસ્ટર કોર્સની પસંદગી પણ કરી શકે છે.આમ નવા શૈક્ષણિક વર્ષમાં પહેલા વર્ષમાં તો ૧૦૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે જ અને તેની સાથે ચોથા વર્ષમાં આવનારા વિદ્યાર્થીઓને પણ ભણાવવાના રહેશે.અત્યાર સુધી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સ્નાતક સ્તરે ત્રણ જ વર્ષનો અભ્યાસ કરતા હતા.જોકે યુનિવર્સિટી સત્તાધીશોએ હજી સુધી આ માટેનો કોઈ રોડ મેપ તૈયાર કરવાની કાર્યવાહી શરુ કરી નથી.
ત્રણ શિફટમાં યુનિ.ચલાવવી પડે તેવી સ્થિતિ
વધારાના અધ્યાપકો- કર્મચારીઓની પણ ફેકલ્ટીઓમાં ભરતી કરવી પડશે
એક ફેકલ્ટી ડીને નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે,
— એક પણ ફેકલ્ટી પાસે વધારાના બિલ્ડિંગ નથી ત્યારે ચોથા વર્ષના વિદ્યાર્થીઓને બેસાડવા માટે સ્પેસ ઓડિટ જરુરી બનશે.તેમના માટે વધારાની જગ્યા ઉભી કરવી પડશે.
–કાયમી અધ્યાપકોની જગ્યાઓ તો ખાલી છે જ પણ નવા શૈક્ષણિક વર્ષમાં ચોથા વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવાના હોવાથી દર વર્ષ કરતા વધારે હંગામી અધ્યાપકોની ભરતી કરવી પડશે.
–વહીવટી કામ વધવાથી હંગામી કર્મચારીઓની પણ સંખ્યા વધારવી પડશે
–જરુર પડે તો યુનિવર્સિટીમાં શિક્ષણને ત્રણ શિફટમાં ચલાવવું પડશે.કોમર્સ ફેકલ્ટી તો સવારે સાત વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી પહેલેથી જ ભણાવે છે.
–સાયન્સ ફેકલ્ટીને પ્રેક્ટિકલ માટે લેબોરેટરીમાં વધારે સાધનોની જરુર પડશે.
–પરીક્ષા લેવા માટે બેઠક વ્યવસ્થાનું આયોજન કરવાનું મુશ્કેલ બનશે.










