![]()
મુંબઈ : યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) દ્વારા ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક)માંથી નીકળી જવાના નિર્ણય છતાં પ્રતિ બેરલ ૧૧૧ ડોલરની આસપાસ જળવાઈ રહેલા ક્રુડ તેલના ભાવ હજુ પણ ઊંચા ચાલુ રહેશે તેમ બજારના વર્તુળો મત ધરાવી રહ્યા છે.
હોર્મુઝ ખાડી બંધ થઈ જવાને કારણે પશ્ચિમ એશિયા વિસ્તારમાં તેલનો પૂરવઠો ઘટી ગયો છે.
હોર્મુઝની ખલેલ, ભૌગોલિકરાજકીય જોખમ તથા જહાજોની અછતની સ્થિતિમાં ઓપેકના આ નિર્ણયથી ક્રુડ તેલના ભાવ તાત્કાલિક નીચે નહીં જાય એમ ક્રુડ ઓઈલના એક ટ્રેડરે જણાવ્યું હતું.અખાત સિવાયના વિસ્તારોમાં ક્રુડ તેલના ઉત્પાદનમાં લાંબા ગાળાથી નીચા ઈન્વેસ્ટમેન્ટ તથા માગમાં સ્થિતિસ્થાપકતાથી ક્રુડ તેલના ભાવને ટેકો મળી રહેશે.
દૈનિક ૪૮ લાખ બેરલ ઉત્પાદન ક્ષમતા સાથે યુએઈ ઓપેક તથા સાથી દેશો પર લાંબા સમયથી પ્રભુત્વ ધરાવે છે અને સદર જુથમાં ચોથું મોટું ઉત્પાદક છે. યુએઈ ઓપેકનું સ્થાપક સભ્ય છે.ઓપેકમાંથી છૂટા પડવામાં યુએઈને તકવાદનો લાભ મળી રહેશે. ઈરાન સામેના યુદ્ધ બાદ એટલે કે માર્ચના પ્રારંભથી ક્રુડ તેલના ભાવમાં ૫૨ ટકા જેટલો વધારો થયો છે.
અમેરિકા-ઈરાન મડાગાંઠ લાંબો સમય સુધી ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે જેને કારણે ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેશે. ક્રુડ તેલના પ્રતિ બેરલ ૧૧૦ ડોલરના ભાવ ભારત માટે નેગેટિવ બની રહેશે.ઊંચા ભાવથી ભારતના આર્થિક વિકાસ દર સામે જોખમ રહેશે અને ફુગાવો પણ ઊંચો જોવા મળશે એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું.










