![]()
માતા અને બે પુત્રીઓને કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને ૩ લાખ પડાવી છેતરપિંડી કરનાર વિઝા કન્સલ્ટન્ટ સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
અમદાવાદ કૃષ્ણનગર આશ્રથ બંગ્લોઝમાં રહેતા રિતેશભાઇ દશરથભાઇ પટેલ ડેટા એનાલિસિસની નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, છ વર્ષ પહેલા મારે કેનેડા વર્ક પરમિટ પર જવું હોઇ વડોદરા ખાતે ઇન્ડિયા બુલ્સમાં અજીતસિંગ બ્રિજલાલ જાટ (રહે. નારાયણ રેસિકોમ, ખોડિયાર નગર, ન્યુ વી.આઇ.પી.રોડ)ની ઓફિસે ગયો હતો અને જાણકારી મેળવી હતી. ત્યારબાદ વર્ષ -2023માં મારી પત્ની દિપ્તી અને દીકરી વિધી તથા હારીકાને વર્ક અને ડિપેન્ડન્ટ વિઝા પર કેનેડા જવાની કાર્યવાહી માટે અજીતસિંગની એસ્ટરમેગ્નેટ વિઝા સોલ્યુશન એલ.એલ.પી. નામની ઓફિસ ( ઠે. ક્રિષ્ણા પ્લેટિના, ખોડિયાર નગર) ખાતે રૃબરૃ મળી કામ સોંપ્યું હતું. અમારે ટૂકડે -ટૂકડે 18.50 લાખ ફી આપવાની હતી. આ બાબતે નોટરી રૂબરૂ કરાર કરી છ મહિનામાં વિઝા પ્રોસેસ કરી આપવાનું નક્કી થયું હતું. તેમજ વિઝા ના અપાવી શકે તો રૃપિયા પરત આપવાનું નક્કી થયું હતું.ત્યારબાદ વિઝા એપ્લિકેશન, સર્ટિેફિકેટ વેરિફિકેશન માટે ફી ભરી હતી. જાન્યુઆરી -2024માં ફાઇલ રિજેક્ટ થઇ હતી. જેથી, મે મારા રૃપિયા પરત માંગતા ૩ લાખનો ચેક આપ્યો હતો. જે રિટર્ન થયો હતો. અજીતસિંગે કેનેડા ગવર્મેન્ટમાં સી.એ. વર્ક પરમિટ વિઝાના બદલે ટેમ્પરરી વિઝા વિઝિટર વિઝા માટે એપ્લિકેશન કરી હતી. અમે ચૂકવેલા 3 લાખ પરત આપ્યા નહતા.










