![]()
વડોદરાઃ વડોદરા શહેરના મોટાભાગના કચરાનો નિકાલ જાંબુઆ ખાતે આવેલી લેન્ડફિલ સાઈટ પર કરવામાં આવે છે.લેન્ડફિલ સાઈટ પર વધી રહેલા કચરાના કારણે હવે સાઈટની આસપાસનું ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.
એમ.એસ.યુનિવર્સિટીના એન્વાર્યમેન્ટ સાયન્સની સંશોધક જાગ્રિતિ પટેલે ટેકનોલોજી ફેકલ્ટીના અધ્યાપક અને ક્લાઈમેટ ચેન્જ વિષયના નિષ્ણાત ડો.સંસ્કૃતિ મુજૂમદારના માર્ગદર્શન હેઠળ કરેલા સંશોધનમાં ઉપરોક્ત જાણકારી સામે આવી છે.
આ વિષય પર રિસર્ચ પેપર લખવાની સાથે પીએચડી કરનાર જાગ્રિતિ પટેલનું કહેવું છે કે, જ્યાં મોટા પાયે અને લાંબા સમયથી કચરો જમા થતો હોય ત્યાં વરસાદના કારણે કચરામાંથી કાળા રંગનું પ્રવાહી જમીનની અંદર ઉતરે છે અને આ પ્રવાહીને લિચેટ કહેવામાં આવે છે.જાંબુઆ લેન્ડફિલ સાઈટ પર અમે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ભૂગર્ભજળના ૧૨ જેટલા સેમ્પલ લીધા હતા અને તેના એનાલિસિસમાં સામે આવ્યું છે કે, ભૂગર્ભજળમાં ટીડીએસ, ટોટલ હાર્ડનેસ, ક્લોરાઈડ, ફ્લોરાઈડ, એમોનિયાની માત્રા નિયત ધારાધોરણ કરતા ઘણી વધારે છે.ખાસ કરીને લેન્ડફિલ સાઈટના એક કિલોમીટરની અંદર લેવાયેલા સેમ્પલમાં તો આ પ્રમાણે અત્યંત વધારે છે.જે ચિંતાજનક બાબત છે.ભૂર્ગભજળમાં હેવી મેટલ્સ પણ મળ્યા છે.
ભૂગર્ભજળના નમૂનાનું એનાલિસિસ
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ અથવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સ્વીકાર્ય ધારાધોરણોની સરખામણીએ ભૂર્ગભ જળના સેમ્પલમાં શું વધારે?
પેરામીટર સરેરાશ પ્રમાણ સ્વીકાર્ય પ્રમાણ
પીએચ ૭.૫ ૬.૫ થી ૮.૫
ઈલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ૨૬૦૦
બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ૨.૧ ૨ થી ઓછું
કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ૩૦ ૨૦૦ થી ઓછું
આલ્ક્લાઈનિટી ૩૩૦થી વધારે ૨૦૦ થી ઓછી
ટીડીએસ ૧૬૦૦ ૫૦૦ થી ઓછું
ટોટલ હાર્ડનેસ ૨૪૦થી વધારે ૨૦૦ થી ઓછી
ક્લોરાઈડ ૬૫૦થી વધારે ૨૫૦ થી ઓછું
સોડિયમ ૪૧૦ ૧૨૦૦થી ઓછું
ફ્લોરાઈડ ૧.૫ ૧.૦
એમોનિયમ ૨.૩ ૦.૫ નોંધઃ પીએચ, ઈલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી તેમજ આલ્કલાઈનિટી સિવાયના તમામ પેરામીટર મિલિગ્રામ પર લિટર છે.
ભૂગર્ભજળમાં કયા હેવી મેટલ્સનું પ્રમાણ વધારે
હેવી મેટલ સરેરાશ( મિલિગ્રામ પર લિટર) સ્વીકાર્ય ધારાધોરણ
કેડિયમ ૦.૦૦૬ ૦.૦૦૩
ક્રોમિયમ ૦.૧૦ ૦.૦૫
ભારતમાં ૭૦ ટકા લેન્ડફિલ સાઈટસ પ્રદૂષણ ફેલાવી રહી છે
ભારતમાં ૭૦ ટકા લેન્ડફિલ સાઈટસ ખુલ્લી છે અને ત્યાં કચરાના પહાડો સર્જાઈ રહ્યા છે.ઉપરાંત મોટાભાગની સાઈટસ પર કચરાને છોડા પાડવા માટે અને તેની ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થાનો અભાવ છે.જેના કારણે મોટાભાગની લેન્ડફિલ સાઈટસ હવાને અને ભૂગર્ભજળને પ્રદૂષિત કરી રહી છે.
શહેરમાં ભોજનનો બગાડ, કચરામાં ૨૫ થી ૩૫ ટકા પ્રમાણ ફૂડ વેસ્ટનું
૪૫૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી જાંબુઆ લેન્ડફિલ સાઈટમાં સૌથી વધારે પ્રમાણ પ્લાસ્ટિક અને ખાદ્યપદાર્થોનું છે.ચોમાસા પહેલા, ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી એમ ત્રણ વખત કરવામાં આવેલા એનાલિસિસમાં પ્લાસ્ટિક વેસ્ટનું પ્રમાણ ૨૦ થી ૩૦ ટકા તથા ખાદ્યપદાર્શોનું પ્રમાણ ૨૫ થી ૩૫ ટકા જેટલું જોવા મળ્યું હતું.આમ શહેરમાં ભોજનનો પણ ખાસો બગાડ થતો હોવાનું કચરાના એનાલિસિસના આધારે દેખાઈ રહ્યું છે.
ગુજરાતમાં રોજ ૧૧૫૦૦ ટન કચરો ઉત્પન્ન થાય છે
ભારતમાં રોજ ૧.૬૦ લાખ ટન કચરો ઉત્પન્ન થાય છે અને ૨૦૨૩૦ સુધીમાં તેનું પ્રમાણ બમણું થવાનો અંદાજ છે.ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત કચરો ઉત્પન્ન કરનારા રાજ્યોમાં ટોપ-૫ાંચમા છે.ગુજરાતમાં રોજ ૧૧૫૦૦ ટન કચરો ઉત્પન્ન થાય છે.










