![]()
મુંબઈ : ગયા વર્ષના નવેમ્બરની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં દેશમાં પેસેન્જર વાહનોના વેચાણમાં વીસ ટકા વધારો જોવા મળ્યો છે. તહેવારોની મોસમ બાદ પણ ખરીદી જળવાઈ રહેતા વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું.ખરીફ તથા રવી પાકની સારી સ્થિતિને પરિણામે ટ્રેકટર્સના વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો છે.
વાહનોના સ્ટોકમાં નોંધપાત્ર ઘટાડો થઈને તે ૪૪-૪૬ દિવસો પર આવી ગયો છે જે અગાઉ ૫૩-૫૫ દિવસો સુધીનો જોવા મળતો હતો. આમ માગ પૂરવઠાની સ્થિતિ સારી જોવા મળી રહી છે. ૨૦૨૪ના નવેમ્બરમાં ૩૨૯૨૫૩ની સામે વર્તમાન વર્ષના સમાન મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ વીસ ટકા ઊંચુ રહી ૩૯૪૧૫૨ રહ્યું હોવાનું ફાડાએે જણાવ્યું હતું.
ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડા ઉપરાંત દિવાળી બાદ શરૂ થયેલી લગ્નસરાની મોસમને કારણે પણ પેસેન્જર વાહનોની માગમાં વધારો જળવાઈ રહ્યો છે.
પેસેન્જર વાહનોની સરખામણીએ ટુ વ્હીલર્સમાં ૩ ટકાનો સાધારણ ઘટાડો થયો છે પરંતુ કમર્સિઅલ વાહનોમાં વીસ ટકા, થ્રી વ્હીલર્સમાં ૨૪ ટકા જ્યારે ટ્રેકટર્સમાં ૫૭ ટકા જેટલો જંગી વધારો થયો છે.
વાહનોના એકંદર વેચાણમાં બે ટકા વધારો થઈને ૩૩ લાખ વાહનો રહ્યું હોવાનું પણ ફાડાના આંકડા જણાવે છે.
સામાન્ય રીતે તહેવારો બાદ નવેમ્બરમાં વાહનોના વેચાણમાં મંદી જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષ ચિત્ર અલગ છે. લગ્નસરા ઉપરાંત જીએસટીમાં ઘટાડાએ વેચાણ વૃદ્ધિ માટે મુખ્ય ભૂમિકા ભજવી છે.
જો કે દિવાળીના તહેવાર ઓકટોબરના અંતમા સમાપ્ત થયા હોવાથી વાહનોનું મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન નવેમ્બરમાં જોવા મળ્યું છે.
વર્તમાન વર્ષમાં ખરીફ પાકની સારી ઉપજ ઉપરાંત રવી પાકની પણ સાનુકૂળ સ્થિતિને પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વાહનોની ખરીદી નીકળી છે. ખાસ કરીને ટ્રેકટર્સની જોરદાર માગ જોવા મળી હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.
જીએસટીમાં ઘટાડા ઉપરાંત ધિરાણ દર નીચે જતા આગામી ત્રણ-ચાર મહિના દેશના ઓટો ઉદ્યોગ માટે પ્રોત્સાહક રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.










