![]()
વડોદરા,તાંદલજાના યુવકનું પાંચ દિવસ પહેલા મોત થતા તેનો મૃતદેહ દફન કરી દેવામંા આવ્યો હતો. શરૃઆતમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પત્નીએ પરિવારને જણાવ્યું હતું. પરંતુ, પરિવારને શંકા જતા કડક પૂછપરછ કરતા પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કબ્રસ્તાનમાં દફન થયેલી ડેડબોડી બહાર કાઢી પી.એમ. કરાવતા ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાનું બહાર આવતા પત્ની, તેના પ્રેમી અને પ્રેમીના મિત્ર સામે જે.પી. રોડ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તાંદલજા વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષના ઇર્શાદ અબ્દુલ કરીમ બંજારાનું ગત ૧૮ મી તારીખે મોત થયું હતું. મોડીરાતે ત્રણ વાગ્યે પત્નીએ જેઠ અને અન્ય પરિવારજનોને પતિના મોત અંગે જાણ કરી કહ્યું હતું કે, રાત્રે સૂતા સમયે તેઓને ચક્કર આવતા હતા. જેથી, તેઓ પાણી પીને સૂઇ ગયા હતા.મોડીરાત્રે હું તેઓની તબિયત જોવા ઉઠતા તેઓ કોઇ હલચલ કરતા નહતા. આ વાત સાંભળીને પરિવારે ઇર્શાદને હાર્ટ એટેક આવ્યો હોવાનું માની ૧૯ તારીખે સવારે તાંદલજા વિસ્તારના કબ્રસ્તાનમાં દફન વિધિ કરી દીધી. પતિનું મોત થયું હોવાછતાંય પત્ની ગુલબાનુ સતત મોબાઇલ ફોન પર વાતચીત કરતી હોવાથી તેની નણંદને શંકા ગઇ હતી. પરિવારને શંકા જતા તેમણે પોલીસને જાણ કરવાનું નક્કી કરતા ગુલબાનુ પોલીસના ડરથી ભાંગી પડી હતી. તેણે કબૂલાત કરી કે, મેં મારા પ્રેમી તૌસિફ (રહે. મુંબઇ) સાથે મળીને મારા પતિને ઘેનની દવા પીવડાવી બેભાન કરી ઓઢણીથી ગળે ટૂંપો આપીને હત્યા કરી છે. ચોંકી ઉઠેલા પરિવારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જે.પી.રોડ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ મેડિકલ પુરાવા એકત્રિત કરવા માટે પરિવારને સાથે રાખી મેજીસ્ટ્રેટ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કબ્રસ્તાનમાં દફન કરાયેલી ઇર્શાદની ડેડબોડી બહાર કાઢી હતી. પંચનામુ કરી પોલીસે મૃતદેહને પી.એમ. માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ડોક્ટરના પ્રાથમિક તારણ મુજબ, ઇર્શાદનું મોત ગળે ટૂંપો આપવાથી થયું હતું. જેથી, પોલીસે ઇર્શાદની પત્ની ગુલબાનુ, તૌસિફ અને તૌસિફના મિત્ર સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગુલબાનુની પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૃ કરી છે.
ઇર્શાદનો કાંટો કાઢવો પડશે તો જ આપણે સાથે રહી શકીશું
વડોદરા,
તૌસિફ, ગુલબાનુ અને પરિવારજનો મૂળ યુ.પી.ના રહેવાસી છે. તૌસિફ અને ગુલબાનુ નાનપણથી જ એકબીજાને ઓળખતા હતા. પરંતુ, છેલ્લા ૮ મહિનાથી બંને વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો હતો. તૌસિફે ગુલબાનુને પોતાની સાથે આવી જવા કહ્યું હતું. ઇર્શાદનો કાંટો કાઢવો પડશે તો જ આપણે સાથે રહી શકીશું.તેવું કહીને ભેગા મળીને કાવતરું ઘડીને ઇર્શાદનું ખૂન કર્યું હતું.
પતિ કામ પર જાય પછી રોજ ગુલબાનુ તૌસિફ સાથે વાતો કરતી હતી
વડોદરા,
ઇર્શાદ અને ગુલબાનુના લગ્નને ૧૦ વર્ષનો સમયગાળો થઇ ગયો હતો. લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનો છે. ઇર્શાદ પી.ઓ.પી.નું કામ કરતો હોઇ સવારે ૯ વાગ્યે ઘરેથી નીકળી જતો અને રાતે પરત આવતો હતો. દિવસ દરમિયાન ગુલબાનુ અને તૌસિફ એકબીજા સાથે અવારનવાર લાંબી વાતો કરતા હતા. પરંતુ, ત્રણ સંતાનો હોઇ પતિને પત્ની પર કોઇ જ શંકા થઇ નહતી.
ઘેનની ગોળીઓ વાટીને પતિને દૂધ સાથે પીવડાવી દીધી
વડોદરા,
ગુલબાનુ અને તૌસિફે ઘડેલા કાવતરાના ઘટના ક્રમ મુજબ, ૧૭ મી તારીખે તૌસિફ તેના મિત્ર સાથે મુંબઇથી ટ્રેનમાં બેસીને વડોદરા આવે છ. ૧૮ મી તારીખે સવારે ૯ વાગ્યે ઇર્શાદ કામ પર નીકળી જાય છે. ત્યારપછી ગુલબાનુને રેલવે સ્ટેશન બોલાવી તૌસિફ ઘેનની ગોળીઓ આપે છે. રાતે પતિ ઘરે આવ્યા પછી ગોળીઓ વાટીને દૂધમાં ભેળવી ગુલબાનુ પતિને પીવડાવી દે છે. પતિ સૂઇ ગયા પછી ગુલબાનુ ફોન કરીને પ્રેમીને બોલાવે છે અને પતિની હત્યા કરે છે.
ઇર્શાદની હત્યા કર્યા પછી આરોપીઓ નીકળી ગયા
વડોદરા,
પતિ ઘેનની અસર હેઠળ ઊંઘતો હતો અને ત્રણ બાળકો બીજા રૃમમાં સૂતા હતા. તે દરમિયાન ગુલબાનુ પોતાના પ્રેમીને ઘરે બોલાવે છે. તેઓ ઘરે આવે છે. ગુલબાનુના દુપટ્ટાથી જ તેઓ ઇર્શાદને મોતને ઘાટ ઉતારે છે. માત્ર અડધો કલાકમાં જ હત્યા કરી ઇર્શાદના શ્વાસ બંધ થઇ જતા તેઓ નીકળી ગયા હતા. ત્યારબાદ તૌસિફ અને તેનો મિત્ર પરત મુંબઇ જતા રહે છે.
પોલીસને ગોળ ગોળ ફેરવતી ગુલબાનુ
વડોદરા,
હત્યાનો પર્દાફાશ થયા પછી પોલીસ ઇર્શાદની પત્ની ગુલબાનુને પકડી લાવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન પણ તે ગોળ – ગોળ જવાબો આપતી હતી. જેથી,પોલીસે તેના મોબાઇલની કોલ ડિટેલ્સ કઢાવી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ હત્યા કેસ પાછળ અન્ય કોઇ કારણ જવાબદાર છે કે કેમ ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.










